અમરેલી જિલ્લામાં છેલ્લાં બે વર્ષથી સરકારી આંકડા મુજબ ૮૮ જેટલા પ્રાથમિક શાળાના બાળકોના નામ શાળામાં ચાલતા હોવાછતાં શાળાએ હાજર રહેવાને બદલે ખાનગી ટ્યુશન ક્લાસ કરતા હોવાની માહિતી મળતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે આવી ઘટના ફકત પ્રાથમિક શાળા પુરતી જ મર્યાદિત નહી પરંતુ ઉચ્ચતર માધ્યમિકમાં પણ આવી સ્થિતિ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. અમરેલી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરતા હોય અને નામ પણ શાળામાં ચાલતુ હોય ત્યારે સરકારી આંકડા મુજબ અમરેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૮૮ જેટલા બાળકો જસદણ આલ્ફા સંકુલમાં ખાનગી ટ્યુશન કરતા હોય જેમાં નવોદય, સૈનિક સ્કૂલની તૈયારી કરાવવામાં આવતી હોય છે અને બાળકોની ફી અંદાજે રૂ.૯૦ હજાર હોવાનુ સામે આવ્યુ છે. જા કે આ કૌભાંડ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જયારે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ઉચ્ચતર માધ્યમિકમાં ધો.૧ર સાયન્સમા ભણતા બાળકોનું પણ આ જ રીતે કૌભાંડ ચાલી રહ્યુ છે. સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોના નામ શાળામાં હાજરી બોલાતી હોય ત્યારે આ જ બાળકો અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં નીટની પરીક્ષાની તૈયારી કરતા હોય છે. આ બાળકો માત્ર વાર્ષિક પરીક્ષા દેવા માટે જ શાળાએ આવતા હોવાનુ સામે આવ્યુ છે. જેમાં મોટાભાગના બાળકોના માતા-પિતા શાળામાં જ શિક્ષકો હોવાથી સમગ્ર કૌભાંડ બહાર આવતુ નથી. જાણવા મળતી માહિતી મુજબ શાળામાં નામ બોલાતુ હોય પરંતુ બાળકો નીટ અને ગુજકેટની તૈયારી અન્ય શહેરોમાં કરતા હોય છે.
બાળકોની તપાસ કરવામાં આવશે: ડીઈઓ ગોહિલ
આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી ગોહિલનો સંપર્ક કરતા જણાવ્યુ હતું કે આ બાબતની કોઈ ફરિયાદ કે જાણવા મળેલ નથી જો કોઈ વિદ્યાર્થીનું નામ શાળામાં ચાલતુ હોય અને વિદ્યાર્થી અન્ય જગ્યાએ ટ્યુશનની તૈયારી કરતા હોવાનુ સામે આવશે તો શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.







































