મહાનગરપાલિકા દ્વારા આયોજિત જન્માષ્ટમીના મટકી ફોડ કાર્યક્રમને લઈને મોટો રાજકીય વિવાદ સામે આવ્યો છે. ગઈ ૪ સપ્ટેમ્બરના રોજ શહેરના ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભારે નાણાકીય ગડબડ અને કૌભાંડ થયું હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કર્યો છે. આ મુદ્દે મનપાના શાસકો સામે સવાલો ઊભા થતાં રાજકોટનું રાજકારણ ગરમાયું છે.
કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મટકી ફોડના આ આયોજન દરમિયાન અંદાજે ૨૫ લાખ રૂપિયા જેટલો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. શરૂઆતમાં આ કાર્યક્રમ માટે ૧૭ લાખ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં ૨ લાખ રૂપિયા ઓનમાં આપવામાં આવ્યા હતા. પરંતુ આશ્ચર્યજનક રીતે આ આખા આયોજન બાદ મનપા સમક્ષ કુલ ૩૨ લાખ રૂપિયાનું બિલ રજૂ કરવામાં આવ્યું છે.
આટલી મોટી રકમનું બિલ વધવા પાછળનું મુખ્ય કારણ આપતાં હેમાંગ વસાવડાએ દાવો કર્યો હતો કે કાર્યક્રમ દરમિયાન રૂ. ૧૫ લાખની પેટીસ ખાઈ જવામાં આવી છે. આ ઉપરાંત ટેન્ડરની શરતોનું પણ ખુલ્લેઆમ ઉલ્લંઘન થયું હોવાનું તેમણે ઉમેર્યું હતું. ટેન્ડરમાં નક્કી કરવામાં આવેલી સ્ટેજની સાઈઝ કરતાં સ્થળ પર અડધી સાઈઝનું જ સ્ટેજ બનાવવામાં આવ્યું હતું અને શ્રોતાઓ માટે ખુરશીઓની સંખ્યા પણ મંજૂર થયેલી સંખ્યા કરતાં ઘણી ઓછી રાખવામાં આવી હતી.
આ વિવાદ સાથે હેમાંગ વસાવડાએ રાજકોટ મનપાના ભૂતકાળના ચર્ચિત જંગલેશ્વર બિલકાંડ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જંગલેશ્વરમાં થયેલા અલગ-અલગ ખર્ચના બિલોને લઈને અગાઉ સમગ્ર રાજ્યમાં વિવાદના પડઘા પડ્યા હતા. તે મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી હોવા છતાં હજુ સુધી તેનો કોઈ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી.
અગાઉના જંગલેશ્વર કાંડ અને હવે મટકી ફોડ કાર્યક્રમમાં બિલ કૌભાંડના આક્ષેપો સામે આવતા કોંગ્રેસે માગ કરી છે કે રાજકોટના મેયરે આ તમામ બાબતો પર મૌન તોડીને જનતા સમક્ષ સ્પષ્ટ જવાબ આપવો જાઈએ. હવે જાવાનું એ રહેશે કે આ મટકી ફોડ કાર્યક્રમના બિલ કૌભાંડ અંગે તંત્ર તરફથી કોઈ યોગ્ય તપાસ કે જવાબ મળશે અથવા તો આ મુદ્દે પણ ભૂતકાળની જેમ ભીનું સંકેલાઈ જશે.








































