ગુજરાતમાં સત્તાવાર રીતે ૧૫મી જૂનથી ચોમાસાની શરૂઆત થાય છે અને સામાન્ય રીતે જુલાઈના મધ્ય સુધીમાં રાજ્યમાં સારો વરસાદ નોંધાતો હોય છે. જાકે ચાલુ વર્ષે (૨૦૨૬) ચોમાસું અપેક્ષા મુજબ આગળ વધ્યું નથી. ૧૮ જુલાઈ ૨૦૨૬ સુધીના સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ વરસાદમાં ૨૨ ટકા અને વાવેતરમાં ૨૧ ટકાનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ખેડૂતો તેમજ તંત્રમાં ચિંતા વધી છે.૧૫ જૂનથી શરૂ થયેલા ચોમાસાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં રાજ્યમાં સરેરાશ કુલ વરસાદના માત્ર ૨૬.૫૬ ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે. ગત વર્ષે ૧૮ જુલાઈ ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં ૪૩૩.૩૧ મિલીમીટર એટલે કે ૪૮.૬૨ ટકા વરસાદ નોંધાયો હતો, જ્યારે ચાલુ વર્ષે આ જ સમયગાળા દરમિયાન માત્ર ૨૪૧.૪૩ મિલીમીટર એટલે કે ૨૬.૫૬ ટકા વરસાદ નોંધાયો છે. આમ, ગત વર્ષની સરખામણીએ વરસાદમાં ૨૨.૦૬ ટકાનો ઘટાડો થયો છે.દક્ષિણ ગુજરાતને બાદ કરતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની અછત જાવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ માત્ર બે જિલ્લાઓમાં જ વધુ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથમાં ૮૦ મિલીમીટર અને અમરેલીમાં ૨૨ મિલીમીટર વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે બાકીના ૩૨ જિલ્લાઓમાં વરસાદ ઓછો રહ્યો છે. સૌથી વધુ ઘટાડો બનાસકાંઠામાં ૪૯૫ મિલીમીટર અને સાબરકાંઠામાં ૪૬૭ મિલીમીટર નોંધાયો છે.વરસાદની અછતની અસર રાજ્યના જળાશયો પર પણ સ્પષ્ટ જાવા મળી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ ૬૭.૫૭ મીટર પાણીનું સ્તર છે અને કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર ૪૦.૭૭ ટકા જેટલો જ જળસંગ્રહ થયો છે. રાજ્યના અન્ય ૨૦૬ ડેમોમાંથી ૧૦૭ ડેમોમાં પાણીનો જથ્થો ૨૫ ટકા કરતાં પણ ઓછો છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન મોટાભાગના ડેમોમાં સંતોષકારક જળસંગ્રહ હતો, જ્યારે ચાલુ વર્ષે માત્ર ૬ ડેમો જ સંપૂર્ણ ભરાયેલા છે.વરસાદની અછતને કારણે ખેતી પર પણ સીધી અસર જાવા મળી રહી છે. ૧૮ જુલાઈ ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં ૫૦,૨૭,૦૮૫ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, જ્યારે ચાલુ વર્ષે આ જ તારીખ સુધીમાં માત્ર ૩૯,૭૨,૯૦૫ હેક્ટરમાં જ વાવેતર થઈ શક્યૂ છે. એટલે કે અંદાજે ૧૦.૫૪ લાખ હેક્ટર વિસ્તારમાં ઓછું વાવેતર થયું છે, જે ગત વર્ષની સરખામણીએ લગભગ ૨૧ ટકાનો ઘટાડો દર્શાવે છે.પાકવાર સ્થિતિ જાવામાં આવે તો મગફળી અને કપાસના વાવેતરમાં સ્થિતિ પ્રમાણમાં સારી છે, પરંતુ ડાંગર જેવા પાકોના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો જાવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં રાજ્યમાં વ્યાપક અને સારો વરસાદ નહીં થાય તો કૃષિ ઉત્પાદન તેમજ જળસંચય બંને પર તેની ગંભીર અસર પડી શકે છે.