અમરેલીમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા એક કોન્ટ્રાક્ટરના ઘરેથી પોલીસે વિદેશી દારૂની ૧૯ બોટલો ઝડપી પાડી છે.પોલીસ બાતમીના આધારે અમરેલીમાં રહેતા રોહનભાઈ ઉર્ફે રાજુ અરવિંદભાઈ બોરીચા (ઉ.વ. ૩૭)ના રહેણાંક મકાને દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૯ બોટલ મળી આવતા પોલીસે રૂ. ૧૩,૦૩૪નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ ઉપરાંત, અમરેલી પોલીસે ચિતલ ગામે મોણપુર રોડ પરથી ૩ લીટર અને દેવભૂમિ દેવળીયા ગામેથી ૩ લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. જ્યારે અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ચાર લોકો કેફી પીણું પીધેલી હાલતમાં નશામાં ધૂત થઈને ફરતા મળી આવતા પોલીસે તેમની પણ અટકાયત કરી હતી.


































