ગીર ગઢડા તાલુકાના ઉમેદપરા નજીક રૂપેણ નદીના પુલ પર તા. ૧૫ સપ્ટેમ્બરની રાત્રે સાડા ૯ વાગ્યાના અરસામાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. માછલી ભરેલો આયશર ટ્રક પુલ પરથી આશરે ૧૫ ફૂટ નીચે નદીમાં ખાબકતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
મૃતકની ઓળખ દ્રોણ ગામના ૪૨ વર્ષીય જગદીશ રામભાઈ બાંભણીયા તરીકે થઈ છે. અકસ્માતમાં ટ્રકચાલક કાળુભાઈ માવજીભાઈ ડાભી અને રમેશ ગોવિંદભાઈ સાંખટને ગંભીર ઈજાઓ થતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વેરાવળ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.








































