લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલ જૂનાગઢના ભવનાથની પવિત્ર તળેટીમાં એવી ઘટના બની છે, જેણે સૌને ચોંકાવી દીધા છે. વર્ષોથી સાધુ વેશમાં એકલવાયું જીવન જીવતા એક આધેડની વાઘેશ્વરી માતાજીના મંદિરના ગેટ પાસે જાહેરમાં બેરહેમીથી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી છે. ઘટનાના પગલે ત્વરિત આરોપીઓને પોલીસે ઝડપીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
વિગતે વાત કરીએ તો, પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ઈશ્વરીયા ગામના વતની ૫૦ વર્ષીય ભરત જીવાભાઈ મકવાણા છેલ્લા ૧૨ વર્ષથી ઘર છોડીને ભવનાથમાં સાધુ તરીકે રહેતા હતા. છેલ્લા ઘણા વર્ષોથી તે ભવનાથ પોલીસ સ્ટેશનની સામે જ રહેતા અને એકલવાયું જીવન જીવતા હતા. બાર વર્ષ પહેલા પોતાના ઘરે હું સાધુ બનવા જાઉં છું તેમ કહીને નીકળી ગયા હતા. પરંતુ તેની ક્્યાં ખબર હતી કે તેણે પોતાનું ગામ તો છોડી દીધું છે પરંતુ ગામના અમુક લોકો જે શંકા કરે છે તે જ પોતાની હત્યા કરી નાખશે. એવું જ કંઈ બન્યું સોમવારની મોડી રાત્રે.
ઘટનાના દિવસે તારીખ ૧૩મી જુલાઈને સોમવારે, જ્યારે ભરતભાઈ મકવાણા ભવનાથ વિસ્તારમાં હતા ત્યારે ઈશ્વરીયાના અશોક દેવશી બગડા તેમજ કુતિયાણાના અશોક પુંજા પરમાર અને અતુલ રણમલ મેર રીક્ષા લઈને ભરત મકવાણા પાસે આવ્યા હતા અને બાદમાં તેને વાઘેશ્વરી મંદિર તરફ લઈ ગયા હતા, ત્યાં સામાન્ય બોલાચાલી થઈ અને બાદમાં ત્રણેય શખ્સો ભરત મકવાણા પર તૂટી પડ્યા હતા અને તેને માર માર્યો હતો.(
વાઘેશ્વરી મંદિરના ગેટ પાસે ઉભેલી પિયાગો રિક્ષામાં ત્રણ શખ્સોએ લાકડી અને દોરડાથી ભરતભાઈ મકવાણા પર જીવલેણ હુમલો કર્યો હતો. મંદિરમાં કામ કરતા એક વ્યક્તિ દ્વારા હુમલો જાઈ આરોપીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ન માનતા તરત જ ૧૧૨ અને ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. જે બાદ ગંભીર હાલતમાં ભરત મકવાણાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેમનું મોત થયું હતું.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતક ભરત મકવાણાના મૃતદેહનું હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી મૃતકના પરિવારનો સંપર્ક કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બાદમાં સમગ્ર મામલે મૃતક ભરત મકવાણાના મોટા ભાઈ રમેશભાઈ મકવાણાની ફરિયાદના આધારે ભવનાથ પોલીસે ઈશ્વરીયાના અશોક દેવશી બગડા તેમજ કુતિયાણાના અશોક પુંજા પરમાર અને અતુલ રણમલ મેર સામે હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અતુલ મેરની પત્નીનું મંગળસૂત્ર અગાઉ ચોરાયું હતું અને તેની શંકા ભરત મકવાણા પર રાખવામાં આવતી હતી. આ મનદુઃખ અને જૂની અદાવતને કારણે આરોપીઓએ ભરત મકવાણાને બોલાચાલી બાદ લાકડી અને દોરડાથી માર મારી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું ખુલ્યું છે.
જ્યારે આરોપી અશોક દેવશી બગડા અને અતુલ રણમલ મેર સામે અગાઉ પોરબંદર જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ પણ નોંધાયેલા છે. હાલ ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને હત્યા પાછળ અન્ય કોઈ કારણ કે કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ભવનાથ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે, ત્યારે હાલ તો લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જાડાયેલ જૂનાગઢ ભવનાથમાં ખેલાયેલા લોહીયાળ ખેલનો આ કિસ્સો ભારે હડકંપ મચાવી રહ્યો છે.







































