ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાથવા માટે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે મોરબી એસઓજી ટીમને મોટી સફળતા મળી છે. નવલખી રોડ પર આવેલી શ્રદ્ધા સોસાયટીના એક રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે ગેરકાયદેસર મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ૧.૦૯ લાખના મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બનાવની વિગત જાઇએ તો મોરબી એસઓજીને બાતમી મળી હતી કે નવલખી રોડ પર આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતો મયુરભાઇ બાબુભાઇ ગોગરા પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર મેફેડ્રોન પાવડરનો જથ્થો રાખીને ખાનગીમાં વેચાણ કરે છે. આ બાતમીની ચોક્સાઇ કર્યા બાદ એસઓજીની ટીમે આરોપીના ઘરે અચાનક દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન પોલીસને તેના ઘરમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે આરોપીના મકાનમાંથી કુલ ૨૯.૨૪ ગ્રામ મેફેડ્રોન પાવડર કબજે કર્યો હતો જેની બજાર કિંમત ૮૭,૭૨૦ રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત ડ્રગ્સના વેચાણમાંથી મળેલી રોકડ ૧૧,૫૫૦ રૂપિયા, એક મોબાઇલ ફોન કિંમત રૂ. ૧૦,૦૦૦ અને ડ્રગ્સ તોલવા માટેનો એક નાનો વજનકાંટો કિંમત રૂ. ૫૦૦ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ પોલીસે કુલ ૧,૦૯,૭૭૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.મોરબી પોલીસે વાતચીતમાં જણાવ્યું હતું કે, અમને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી રહેણાંક વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરે છે. અમે ટીમ સાથે રેડ પાડી અને ૨૯ ગ્રામથી વધુ સ્ડ્ઢ પાવડર ઝડપી પાડ્યો હતો. આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ ડ્રગ્સ તે ક્યાથી લાવ્યો અને કોને-કોને વેચતો હતો તે અંગે વધુ પૂછપરછ ચાલુ છે.આ સમગ્ર મામલે આરોપી મયુર ગોગરા સામે એનડીપીએસ એક્ટની કલમ ૮(સી), ૨૧(બી) અને ૨૯ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.આ કાયદા હેઠળ ડ્રગ્સ રાખવા, વેચવા અને તેની હેરાફેરી કરવા બદલ કડક સજાની જાગવાઈ છે. આ ગુનો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. હવે કેસની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.







































