અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં એક સગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર સગીરાના વાલી દ્વારા સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પરિવારજનોએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ભોગ બનનાર સગીરા પોતાના ઘરની નજીક આવેલી બાવળની ઝાડીમાં કુદરતી હાજતે ગઈ હતી.તે દરમિયાન ત્યાં ટાંપીને બેઠેલો કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર તેની પાછળ ગયો હતો. તેણે સગીરાનું બાવડું પકડી બળજબરીપૂર્વક બાવળની કાંટમાં ખેંચી લીધી હતી. સગીરાએ પોતાની નાની ઉંમરનો હવાલો આપી કરગરી હોવા છતાં, કિશોરે તેને નીચે પછાડી દીધી હતી અને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કિશોરે અગાઉ પણ એક વખત સગીરા સાથે આ જ પ્રકારે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં, કિશોરે ભોગ બનનારને ધમકી આપી હતી કે જો આ અંગે કોઈને પણ વાત કરશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. હાલ રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ વી. એમ. કાલોદરા વધુ તપાસ ચલાવી રહ્યા છે.




































