સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ ટેક-ઓફ પહેલાં એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. રનવે પરથી વિમાન ટેક-ઓફ કરવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે અચાનક રનવેની વચ્ચે અંદાજે ત્રણ ફૂટ લાંબો સાપ જાવા મળ્યો હતો. વિમાનમાં બેઠેલા એક મુસાફરે સાપને જાતા જ તેની જાણ પાયલોટને કરી હતી. ત્યારબાદ સુરક્ષાને પ્રાથમિકતા આપતાં ફ્લાઇટની મૂવમેન્ટ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ખાનગી વિમાન ટેક-ઓફ માટે રનવે પર આગળ વધી રહ્યું હતું ત્યારે એક મુસાફરની નજર રનવે પર રહેલા સાપ પર પડી હતી. મુસાફરે પોતાના મોબાઇલમાં સમગ્ર ઘટનાનો વીડિયો કેદ કર્યો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મુસાફર ગુજરાતીમાં સુરત એરપોર્ટના રનવે પર સાપ જોવા મળ્યાની વાત કરતા સંભળાય છે.
પ્રાથમિક માહિતી મુજબ, ચોમાસાની ઋતુ દરમિયાન એરપોર્ટની આસપાસ આવેલી ઝાડીઓ અને ખુલ્લા વિસ્તારોમાંથી સાપ અને અન્ય સરીસૃપો બહાર આવવાની શક્યતા વધી જાય છે. માનવામાં આવી રહ્યું છે કે આ સાપ નજીકની ઝાડીઓમાંથી સરકીને રનવે સુધી પહોંચી ગયો હતો.
સાપ અંગેની જાણ થતાં જ એરપોર્ટ નો ગ્રાઉન્ડ સ્ટાફ અને સુરક્ષા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિમાનની મૂવમેન્ટ થોડા સમય માટે નિયંત્રિત કરવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. બાદમાં પરિસ્થિતિ સામાન્ય થતાં ફ્લાઇટ ઓપરેશન નિયમિત રીતે શરૂ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર ઘટનામાં કોઈ મુસાફર અથવા વિમાનને નુકસાન થયું નથી. એરપોર્ટ પરની ઝડપી કાર્યવાહીથી સંભવિત જાખમ ટળી ગયું હતું અને ફ્લાઇટ ઓપરેશન પર કોઈ નોંધપાત્ર અસર થઈ નહોતી.