અષાઢી બીજના પાવન અવસરે રાજકોટ શહેર ભક્તિમય રંગમાં રંગાઈ ગયું જયારે કૈલાશધામ આશ્રમ, નાનામૌવાથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ભક્તોના જયઘોષ વચ્ચે પ્રસ્થાન કરી. ‘જય રણછોડ માખણચોર’ના ગગનભેદી નાદ સાથે હજારો ભાવિકો રથયાત્રામાં જાડાયા હતા. રાજવી માંધાતાસિંહજીના હસ્તે પરંપરાગત પહિંદવિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે સાંસદ પુરુષોત્તમ રૂપાલા, મેયર ડો. નેહલ શુક્લ, ધારાસભ્ય રમેશ ટીલાળા સહિત અનેક આગેવાનો અને સંત-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
સવારે ૮ઃ૩૦ વાગ્યે શરૂ થયેલી આ રથયાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ લગભગ ૨૨ કિલોમીટરનું અંતર કાપીને સાંજે ફરી કૈલાશધામ આશ્રમ ખાતે નિજ મંદિરે પહોંચી હતી યાત્રા પૂર્ણ થયા બાદ ભગવાનની મહાઆરતી થઇ હતી
કૈલાશધામ આશ્રમના મહંત ત્યાગી મનમોહનદાસજીએ જણાવ્યું કે ભગવાન જગન્નાથની રથયાત્રાએ ભક્તો સુધી ભગવાન પોતે પહોંચે તેવો પાવન અવસર છે. પ્રથમ રથમાં ભગવાન બલભદ્ર, બીજા રથમાં માતા સુભદ્રા અને ત્રીજા રથમાં ભગવાન જગન્નાથ બિરાજમાન રહે છે. તેમણે જણાવ્યું કે રથના દર્શન અને સ્પર્શથી ભક્તોના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. રથના દોરડા ખેંચવાનું પણ અત્યંત પુણ્યકારક માનવામાં આવે છે. ભગવાનના આશીર્વાદથી લોકોના જીવનમાં શુભતા અને કલ્યાણનો સંદેશ પ્રસરે છે.
મહંતે જણાવ્યું કે રાજકોટમાં છેલ્લા ૧૯ વર્ષથી આ રથયાત્રાનું આયોજન થયુંં છે. પંચરંગી ધ્વજાથી શોભિત રથ સમગ્ર શહેરમાં ભક્તિ અને એકતાનો સંદેશ ફેલાવે છે. રાજકોટની રથયાત્રાની વિશેષતા એ છે કે તેમાં સંતો, મહંતો, વિવિધ ધાર્મિક મંડળો અને કલાકારો દ્વારા સાંસ્કૃતિક અને પરંપરાગત કરતબોની રજૂઆત પણ કરવામાં આવે છે.
નાનામૌવા મોકાજી સર્કલથી શરૂ થયેલી રથયાત્રા વૃંદાવન સોસાયટી, પુષ્કરધામ, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, કિશાનપરા ચોક, સદરબજાર, હરિહર ચોક, લીમડા ચોક, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિર, આશાપુરા મંદિર, કેનાલ રોડ, કોઠારીયા રોડ, દેવપરા, નારાયણનગર, આનંદ બંગલા ચોક, ચંદ્રેશનગર સહિતના વિસ્તારોમાંથી પસાર થઈને ફરી કૈલાશધામ આશ્રમ ખાતે પૂર્ણ થઇ હતી રથયાત્રાને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી







































