ભક્ત કવિયત્રી મીરાં અને ગોસ્વામી તુલસીદાસ સમકાલિન હતા. જયારે મીરાને તેના કુટુંબ પરિવાર દ્વારા કૃષ્ણભક્તિમાં બાધા કરવામાં આવી, જેની આરાધના મીરાં દ્વારા કરવામાં આવતી હતી ભગવાનના એ વિગ્રહને તોડવાના પ્રયાસો કરવામાં આવ્યા, અનેકો પ્રકારે મીરાને પ્રતાડિત કરવામાં આવ્યા ત્યારે મીરાએ તુલસીદાસજીને પત્ર લખ્યો કે મારે શું કરવું ? મને એમ થાય છે હું આ મારા બધા સ્વજનોનો ત્યાગ કરી દઉં જે મને કૃષ્ણભક્તિમાં બધા રૂપ છે. આમાં કોઈ પાપ તો નથી ને ? જવાબમાં તુલસીદાસજી એક કવિતા મીરાને ઉદ્દેશીને લખે છે…… જેને રામસીતા પ્રિય ન હોય એ પરમ સ્નેહી હોય તો પણ તેનો કોટી જનમનો વેરી સમજીને ત્યાગ કરી દેવો…. તુલસીદાસજી પ્રહલાદ, વિભીષણ, ભરત, બલિના ઉદાહરણો આપીને મીરાંને સમજાવે છે. તુલસીદાસજીના આ પત્રની મીરાને સલાહ આજે પણ પ્રસ્તુત છે. જે ઈશ્વરમાં શ્રધ્ધા રાખે છે એણે એમાં બધા રૂપ હોય એવા સબંધોનો ત્યાગ કરી દેવો જોઈએ.
મીરાં અને તુલસીદાસજીનો ઉપરોક્ત પ્રસંગ યાદ કરવાનું લાગતું કારણ આજનું અયોધ્યાનું રામમંદિર છે. પાંચસો વર્ષના સંસ્કૃતિક સંઘર્ષ અને અનેકો બલિદાનો બાદ હિંદુ આસ્થાને અયોધ્યામાં રામમંદિર સ્વરૂપે મૂર્તિમંત સ્વરૂપ મળ્યું છે. હિન્દુઓએ પોતાના આરાધ્યદેવને એમનું મૂળસ્થાન અપાવીને વિધર્મો પર વિજય પ્રાપ્ત કર્યો છે. પાંચ સૈકા વીતવા છતાં આ ભાવના હિન્દુઓના હૃદયમાં કેમ જીવતી રહી ? હજારો ભવ્ય રામમંદિરો હિન્દુસ્તાનમાં આવેલા છે. આસ્થાની ચેતનાનું કેન્દ્રબિંદુ બીજા કોઈ મંદિરમાં કેમ સ્થાપિત ન થઇ શક્યું.? કારણકે આ ઈષ્ટદેવના જન્મસ્થળનું મંદિર છે. ભગવાન રામ લક્ષમણને ઉદ્દેશીને કહે છે કે…
‘લક્ષ્મણ, ભલે લંકા સોનાની બનેલી હોય, તો પણ મને તેમાં કોઈ રુચિ નથી. કારણ કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.’ ભગવાન રામની આસ્થા પણ જે સ્થાન સાથે જોડાયેલ હોય, એ સ્વાભાવિક રીતે હિંદુ હૃદયોમાં અનેરું સ્થાન ધરાવતું હોય. એ રામમંદિરમાં ભક્તો પોતાની આસ્થાના ચઢાવા સ્વરૂપે દાન કરતા હોય છે, જે હિંદુ પરંપરા છે. પ્રાચીનકાળથી મંદિરો રાજ્યાશ્રિત કે પ્રજાશ્રિત રહ્યા છે. એ ચઢાવો કોઈ દૂરસદૂર ગામડાકસબાના વંચિત, છેવાડાના, પાંચ સૈકા બાદ પ્રગટેલ પોતાની શ્રદ્ધાના અહોભાગ્યને નમન કરવા આવેલા નિષાદ જેવા માણસ પોતાની ધોતીના છેડે કે સાડલાના કે ચુંદડીના છેડે બાંધી રાખેલા પોતાના પ્રભુને અર્પણ કરવાના સુમન સ્વરૂપ પાંચ રૂપિયાથી લઈને કોઈ ધનિક તવંગર દ્વારા પ્રભુ પ્રત્યે પોતાની
કૃતજ્ઞતા વ્યક્ત કરતા પાંચ કરોડનો હોઈ શકે છે. મંદિર બન્યાના થોડા સમયમાં જ હિંદુ શ્રધ્ધાળુઓએ પ્રભુના ચરણોમાં દાનનો ધોધ વહાવી દીધો. પાંચસો વર્ષ સુધી એકઠું થયેલું આ અર્પણ ભાથું પ્રજાએ પ્રભુના ચરણે ધરી દીધું. એ ચઢવાની ચોરી થઇ ગઈ છે. ચોરી જેટલા પ્રમાણમાં થઇ હોય, જેના દ્વારા પણ થઇ હોય, જેની જવાબદારી ચૂકથી પણ થઇ હોય, એ હિંદુ શ્રધ્ધાળુની આસ્થાને ઠેસ છે. જે પણ વ્યક્તિ મંદિરે જઈને યથાશક્તિ પ્રમાણે ભગવાનને દાન ધરાવી આવ્યો હશે એ ઠગાઈ ગયેલો મહેસૂસ કરશે. સવાલ અહી નાણાકીય નથી, ભાવનાત્મક છે. જેણે પાંચ રૂપિયા પ્રભુચરણમાં ધર્યા છે એ અને જેણે પાંચ કરોડ ધર્યા છે એ બંને આહત હશે.
જે લોકોએ ચોરી કરી છે, અને જે લોકો ચોરી કરનારને છાવરી રહ્યા છે, એ લોકો એ વાત ભૂલી રહ્યા છે કે હિંદુઓ પોતાના પ્રભુનું થયેલું અવમાન કે અપમાન પાંચસો વર્ષ સુધી ભૂલ્યા નહોતા. રામવિરોધીઓના સામાછેડે વંશોના વંશો, પેઢીઓની પેઢીઓ ખતમ થઇ ગઈ, પણ એ સ્થાનની હિંદુ આસ્થા મેરુ સમ અડગ રહી. જેમને રાજકીય સ્થાનેથી આ શ્રધ્ધાને રોકવાનો પ્રયત્ન કર્યો, એ બધાની રાજકીય કારકિર્દી ખતમ થઇ ગઈ, એ રાજકીય પરિવારવાદ ખતમ થઇ ગયો. જેણે પોતાના એજન્ડામાં વર્ષો સુધી રામમંદિરનો મુદ્દો રાખીને આ સિધ્ધિ મેળવવામાં હિંદુ આસ્થાને રાજકીય ઓથ આપી છે, હિન્દુઓએ તેમને સત્તા પર બેસાડ્યા છે. એ ભૂલવાની હિંમત કે ભૂલ ન કરવી જોઈએ કે એમને આજે મળેલી સત્તાનો રસ્તો વાયા આ રામમંદિર થઈને જ ગયો છે. એમનું સદનસીબ છે કે વિપક્ષો રામમંદિર વિરોધમાં એટલા આંધળા થઈને આગળ નીકળી ચુક્યા છે કે આ મુદ્દે એમના દ્વારા કરવામાં આવતી રાજનીતિ હવે એમને પાછા વજૂદમાં આણી શકે તેમ નથી. સત્તાપક્ષ માટે શુભ એ છે કે કારસેવકો પર ગોળીઓ ચલાવનારા આ મુદ્દો લઈને રાજનીતિ કરી રહ્યા છે. મંદિર નિર્માણ બાદ રામદર્શન માટે નહિ ગયેલા પ્રભુ શ્રીરામ વતી અને પક્ષમાં દલીલો કરી રહ્યા છે, જેના પર કમ સે કમ એ બાબતે તો પ્રજા વિશ્વાસ કરવાની નથી. પરંતુ સામે જો કોઈ સ્વચ્છ હિંદુ રાષ્ટ્રવાદી પાર્ટી હોત અને આ મુદ્દો લઈને રાજનીતિ કરત તો ભારે પડી શકે તેમ હતું.
સત્તા પક્ષે આજે ગોસ્વામી તુલસીદાસજીની મીરાને અપાયેલી સલાહને અનુસરવું પડશે. જે રામદ્રોહીઓ છે એમનો ત્યાગ કરવો પડશે. ચાહે તે ગમે તેટલી ઉંચી પોઝીશન પર કેમ ન હો. નહીતર લાલઘુમ આસ્થા પાંચસો વર્ષ બાદ પણ રાખમાંથી બેઠી થઈને એ સવાલ પૂછશે જે આજે તમે અનુત્તર રાખશો.
production@infiniumpharmachem.com








































