ગુજરાત સરકાર દ્વારા રાજ્યને ‘નશામુક્ત’ બનાવવા માટે ચલાવવામાં આવી રહેલા સઘન અભિયાન અંતર્ગત પાટણ જિલ્લા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પાટણ એસ.ઓ.જી. અને રાધનપુર પોલીસની ટીમે બાતમીના આધારે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી લાખો રૂપિયાના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને રંગેહાથ દબોચી લીધા છે. આ કાર્યવાહીથી નશાનો વેપાર કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ નશાનો કાળો કારોબાર બનાસકાંઠાના દાંતા વિસ્તારથી રાધનપુર સુધી ફેલાયેલો હતો. આરોપીઓ દાંતાથી ગાંજાનો જથ્થો મંગાવીને રાધનપુરના વિસ્તારોમાં તેનું છૂટક વેચાણ કરવાના ઈરાદામાં હતા. જાકે, પાટણ પોલીસની બાજ નજરથી તેઓ બચી શક્યા નહીં. પોલીસે તપાસ કરતા આનંદ ઠાકોર અને કોદરવી લાધાભાઇ નામના બે ઈસમો પાસેથી ૯.૬૯૦ કિલોગ્રામ સૂકો ગાંજા કબજે કર્યો છે. આ જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત અંદાજે ૪,૮૪,૫૦૦ રૂપિયા આંકવામાં આવી છે.
પકડાયેલા બંને આરોપીઓને પોલીસે તાત્કાલિક અસરથી કાયદાકીય કસ્ટડીમાં લઈને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બંને આરોપીઓને ૫ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે. હવે પોલીસ આ રિમાન્ડ દરમિયાન એ જાણવાનો પ્રયત્ન કરશે કે આ ગાંજા તેઓ કોની પાસેથી લાવ્યા હતા અને તેમની પાછળ અન્ય કયા મોટા માથાઓનો હાથ છે. રાધનપુર પોલીસ આ સમગ્ર નેટવર્કને તોડવા માટે વધુ તપાસ કરી રહી છે. આ ઓપરેશન પાટણ પોલીસની સતર્કતા અને નશામુક્ત ગુજરાતના સંકલ્પને મજબૂત બનાવે છે.






































