શહેરના કિશનવાડી વિસ્તારમાં મોડીરાત્રે બનેલી હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. રાજસ્થાનથી માતા-પિતાને મળવા આવેલા ૧૭ વર્ષીય વિદ્યાર્થીની ચાકુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ભંગારના ધંધાની હરીફાઈ અને પૈસાની લેતી-દેતીનો વિવાદ આ ઘટનાનું કારણ હોવાનું માનવામાં આવે છે.
વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં મોડીરાત્રે બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. આ ઘટનામાં રાજસ્થાનથી પોતાના માતા-પિતાને મળવા આવેલા ૧૭ વર્ષીય સુમિત વણઝારાનું મોત થયું છે. પોલીસના જણાવ્યા મુજબ મૃતક સુમિત મૂળ રાજસ્થાનમાં પોતાના દાદા-દાદી સાથે રહેતો હતો અને ધોરણ-૧૧માં અભ્યાસ કરતો હતો. વેકેશન દરમિયાન તે વડોદરામાં રહેતા પોતાના માતા-પિતાને મળવા આવ્યો હતો. તેના માતા-પિતા કિશનવાડી વિસ્તારમાં ભંગારનો વ્યવસાય કરે છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભંગારના ધંધાને લઈને લાંબા સમયથી બે પક્ષ વચ્ચે અદાવત ચાલી રહી હતી. ઘટનાના દિવસે પૈસાની લેતી-દેતી અને ઉઘરાણીના મુદ્દે મૃતકના પિતા વિક્રમ વણઝારા અને તેમના જ સમાજના કેટલાક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. થોડા જ સમયમાં મામલો હિંસક બનતા આરોપીઓએ વિક્રમ વણઝારા પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ પિતા પર થઈ રહેલા હુમલાને જાઈ સુમિત તેમને બચાવવા વચ્ચે પડ્યો હતો. તે દરમિયાન હુમલાખોરોએ સુમિત પર પણ ચાકુના ઘા ઝીંક્યાં હતા. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા સુમિતને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનામાં વિક્રમ વણઝારાને પણ ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે અને તેમની સારવાર ચાલી રહી છે.
બનાવની જાણ થતાં બાપોદ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પરથી પુરાવાઓ એકત્રિત કરી ઘટનાસ્થળનું પંચનામું કર્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો તેમજ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ ભંગારના ધંધાની હરીફાઈ અને નાણાંકીય વ્યવહારનો વિવાદ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. જાકે સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ, હુમલામાં સામેલ તમામ આરોપીઓની ભૂમિકા અને ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે બાપોદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો દોર તેજ કર્યો છે.બાપોદ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે તપાસમાં સામે આવતા પુરાવા અને નિવેદનોના આધારે સમગ્ર ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.







































