અમરેલીમાં ભારે ચર્ચામાં રહેલા યુવતીનું ગળું કાપી હત્યા કરવાનો પ્રયાસ કરાયેલા કેસમાં ગુજરાત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા એડવોકેટ ચંદ્રેશ બી. મહેતાની સ્પેશિયલ પી.પી. તરીકે નિમણુંક કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ તા. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ અમરેલીના ભાવકા ભવાની મંદિર નજીક બપોરના સમયે બનેલી ઘટનામાં બે આરોપીઓએ મિલીભગત કરી યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો. એક આરોપીએ યુવતીને પકડી રાખી હતી જ્યારે બીજા આરોપીએ છરી વડે ગળાના ભાગે તેમજ હાથ પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ગંભીર હાલતમાં યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.આ બનાવ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે અમરેલી સીટી પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી અને વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. હાલમાં આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે. ગુનાની ગંભીરતા જોતા રાજ્ય સરકારે ચંદ્રેશ બી. મહેતાને સ્પેશિયલ પી.પી. તરીકે નિયુક્ત કર્યા છે.








































