અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ બહારથી રોજગારી માટે આવતા મજૂરો અને કારીગરોની માહિતી ડિજિટલ રીતે ઉપલબ્ધ રહે તે હેતુથી વિકસાવાયેલી “અમરેલી સુરક્ષા કવચ” એપ અંગે જિલ્લામાં વ્યાપક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની દેખરેખ હેઠળ ૨૦ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સેમિનારો યોજાયા હતા. જેમાં ૧૮૫૦થી વધુ મજૂરો અને કારીગરોને એપ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. એપ્લિકેશનમાં મજૂરો અને કારીગરોની ઓળખ, રહેઠાણ, મૂળ વતન, દસ્તાવેજો અને રોજગાર સંબંધિત વિગતો નોંધવામાં આવે છે. જેના કારણે ગુનાઓની અટકાયત અને તપાસમાં પોલીસને મદદ મળશે. રાજુલાના વાવેરા ગામે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયાએ ઉપસ્થિત લોકોને એપ્લિકેશનનું મહત્વ સમજાવ્યું હતું તેમજ સીસીટીવી કેમેરા સ્થાપન અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પોલીસે નાગરિકોને એપમાં માહિતી નોંધાવવા અપીલ કરી છે.









































