કોડીનાર તાલુકાના કરેડા ગામથી મિતિયાજ ગામને જોડતો માર્ગ લાંબા સમયથી અધૂરો પડ્‌યો હોવાથી સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રોડનું કામ શરૂ થયા બાદ આશરે ૪૦૦ મીટરનો ભાગ હજુ પૂર્ણ કરાયો નથી. વરસાદ પડતા માર્ગ પર કાદવ અને પાણી ભરાઈ જતા અવરજવર મુશ્કેલ બની ગઈ છે. આ રસ્તો બંને ગામ વચ્ચેનો મુખ્ય સંપર્ક માર્ગ હોવાથી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને રોજ મુશ્કેલી પડે છે. વિદ્યાર્થીઓ સમયસર શાળા અને કોલેજ પહોંચી શકતા નથી અને કેટલાકને લાંબા રસ્તેથી જવું પડે છે. ગ્રામજનોએ અનેક વખત તંત્રને રજૂઆત કરી હોવા છતા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ બાકી રહેલુ કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે.