રાજકોટ-ભાવનગર-અમરેલીને જોડતા મહત્વપૂર્ણ હાઈવે પર આવેલું બાબરા શહેર વેપાર અને ઉદ્યોગનું કેન્દ્ર હોવા છતાં આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. વર્ષોથી પડતર પ્રશ્નોનો કાયમી ઉકેલ ન આવતા નગરજનો અને વેપારીઓમાં ભારે અસંતોષ છે. રાજકોટથી ભાવનગર વચ્ચેના ૧૭૦ કિલોમીટરના વિસ્તારમાં કોઈ એસટી ડેપો નથી. બાબરા ભૌગોલિક રીતે મધ્યમાં હોવા છતાં વારંવારની રજૂઆતો પછી પણ અહીં ડેપો મંજૂર કરાયો નથી. આ ઉપરાંત શહેરમાં આધુનિક સિવિલ હોસ્પિટલ, પૂરતી ક્ષમતાવાળું ફાયર બ્રિગેડ સ્ટેશન અને કાળુભાર નદીના સંરક્ષણ તેમજ વિકાસનું કોઈ અસરકારક આયોજન નથી. સરદાર સર્કલ, દયારામ સર્કલ અને કરિયાણા ચોકડી જેવા વિસ્તારોમાં સ્પીડ બ્રેકર ન હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાય છે.શહેરનો વિકાસ થશે તો જ વેપાર વધશે તે ન્યાયે લોકો ઈચ્છી રહ્યા છે કે બાબરા ચેમ્બર ઓફ કોમર્સ માત્ર વેપાર પૂરતું સીમિત ન રહે. તે સરકાર સમક્ષ મજબૂત રજૂઆતો અને લોકપ્રતિનિધિઓ સાથે સંકલન સાધીને આ જાહેર હિતના પ્રશ્નો ઉકેલવામાં આગેવાની લે તે સમયની તાતી જરૂરિયાત છે.