(૧)સ્ત્રીનું આભૂષણ લજ્જા તો પુરુષનું આભૂષણ?
રામભાઈ પટેલ (સુરત)
તમે પેલા સોનીની દુકાનમાં કામ કરતા હતા?!
(૨)મોરના ઈંડા ચીતરવા ન પડે એ વાતની મોરને ખબર હશે?
જય દવે (ભાવનગર)
આવી વાતુંની ઢેલને વધારે ખબર હોય.
(૩)અમારા ગામમાં વરસાદ નહી આવે તો અમારે શું કરવું?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
ઉની ઉની રોટલી ને કારેલાનું શાક તમારે એકલાએ ખાઈ જવું.
(૪)મન જો મંદિર છે તો તન?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
આધ્યાત્મિક સવાલો માટે એક નવી કોલમ શરૂ કરવા હું તન અને મનથી મહેનત કરી રહ્યો છું. માત્ર ધન ઘટે છે.
(૫)સાહેબ..! ‘‘રોતે રોતે હંસના શીખો’’ એ શું શક્ય છે?
ધોરાજીયા ચંદ્રકાંત એન (સાજણટીંબા)
એ શક્ય ન હોય તો એ ગીતની આગળની પંક્તિ મુજબ કરોઃ હસતે હસતે રોના..!
(૬)યુરોપમાં આટલી બધી ગરમી પડી એમાં જવાબદાર કોણ?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા કેનેડા)
અમારા ગામના ધુડાભાઈ.. એણે એના ખેતરમાં તાપણું કર્યું હતું!
(૭)પહેલા જ વરસાદમાં રોડ પર આટલા ખાડા પડ્યા એની તપાસ તમને સોંપી છે?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
શેની તપાસ? બાકીના રોડના ખાડા કેમ ન પડ્યા એની?!
(૮)દાણચોરી અને દાનચોરી આ બેયમાં ફરક શું?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
તમને હું એકેય એંગલથી આમાં સંડોવાયો હોઉં એવું લાગે છે?!
(૯)એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ૩૦ ટકા લોકોને રોજ સવારે માથું દુઃખે છે; આવી સ્થિતિ કેમ થઈ ?
કનુભાઈ પરમાર (દામનગર)
બાકીના ૭૦ ટકાને કારણે!
(૧૦)ધંધો ચાલતો નથી. શું કરવું?
દર્શન પટેલ (વડોદરા)
તમે ચાલવા માંડો.
(૧૧)મારે ભવિષ્યમાં દરિયા સામે ઘર બનાવવું છે. બનાવી શકીશ? નીરવ ડણાંક (અમરેલી)
તમે ધારો તો તમારા ઘર સામે પણ દરિયો બનાવી શકો છો.
(૧૨)અત્યારના સમયમાં પતિને પરમેશ્વર માની શકાય?
રમાબેન પટેલ (અમદાવાદ)
હા માની શકાય પરંતુ એના પર અબીલ ગુલાલ કંકુ ન ચડાવાય.
(૧૩) પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને, આ હાથ આખેઆખો બળે એમ પણ બને પતો શું કલમ ન પકડવી?
જયસુખભાઈ આંબાભાઈ (ગોંડલ)
આવું થતું હોય તો કોમ્પ્યુટરમાં ટાઈપ કરવાનું રાખો.
(૧૪)હું મૂર્ખ પતિ પર ગુજરાતી ફિલ્મ બનાવવા માંગુ છું. શીર્ષક શું રાખવું?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
ભાન વગરનો ભરથાર.
(૧૫)નહીં ઘરના નહીં ઘાટના.. આ કહેવત કોને લાગુ પડે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
વિદેશ જવાના મોહમાં સરહદ પર અટવાઈ જાય એને.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..









































