રાષ્ટ્રીય જનતા દળનાં પ્રવક્તા કંચન યાદવ કહે છે કે “ઊંચી જાતિના લોકોને એ આધાર પર ફસાવવા જોઈએ કે તેમણે ક્યારેય ૯૦ ટકા એસસી, એસટી, ઓબીસીને તેમનો અધિકાર ન આપ્યો.”
આ વિડિયો બતાવીને જાણીતા વિશ્લેષક આનંદ રંગનાથન કહે છે કે આ દેશમાં અન્યાય થાય છે, ભેદભાવ થાય છે, પરંતુ કોઈ કાયદો અન્યાયકારી ન હોવો જોઈએ. યુજીસીના સમાનતાના નિયમો અન્યાયપૂર્ણ છે. આ નિયમો બદલવા જોઈએ કારણકે
૧. જાતિ ભેદભાવના પીડિતની પરિભાષામાં સામાન્ય વર્ગનો સમાવેશ જ નથી.
૨. સમાનતા સમિતિની રચનામાં સામાન્ય વર્ગનો ઉલ્લેખ જ નથી.
૩. ખોટી ફરિયાદો કરનારાઓને સજા આપવાનો કોઈ નિયમ નથી.
કોઈ પણ કાયદો કેટલાક લોકોને ન્યાય કરે તેવું ન હોવું જોઈએ, તે બધાને ન્યાય કરતો હોવો જોઈએ. સારા કાયદાનો દુરુપયોગ થઈ શકે છે, તેમાં સારા કાયદાનો દોષ નથી. પરંતુ જો કાયદો જ ખરાબ હોય તો તેના દુરુપયોગ કરવાની આવશ્યકતા જ નથી, તમારે માત્ર તેનો ઉપયોગ જ કરવાનો રહે છે. અને કંચના જેવા લોકો આ જ કરવા માગે છે. ખોટા કેસ કરવાનું કહે છે અને આવું જ થશે. માર્ટિન લ્યુથર કિંગે કહ્યું હતું કે ક્યાંય પણ થઈ રહેલો અન્યાય બધી જગ્યાએ થઈ રહેલા ન્યાય માટે ભયરૂપ છે. નિરપરાધ લોકોને એ પાપની સજા દેવી, જે તેમણે પોતે નથી કર્યાં, તેનાથી અન્યાય સુધરી નહીં જાય, પરંતુ અન્યાય ચાલુ રહેશે.
ભારતમાં સ્વતંત્રતા સમયે ડા. આંબેડકર દ્વારા લખાયેલા સંવિધાન જેની સભામાં ડા. રાજેન્દ્રપ્રસાદ, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, એન. ગોપાલસ્વામી અયંગર, સી. રાજગોપાલાચારી સહિત કથિત ઉચ્ચ વર્ણના લોકો મોટી સંખ્યામાં હતા અને તેમાં અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)ના લોકોને શિક્ષણ અને નોકરીમાં અનામત આપવામાં આવી પરંતુ ડા. આંબેડકરે તેને કેવળ દસ વર્ષ માટે રાખી હતી. તે પછી સત્તા માટે વિકાસ અને મૂળભૂત સમસ્યાઓનું નિવારણ- જેવા મુદ્દાના બદલે જાતિવાદ અને મઝહબ-રિલિજિયનવાદ હાવી રહેતાં, અનામત સતત ચાલુ રહી. તે મંડળ કમિશન અને બક્ષી પંચની ભલામણો સાથે વધીને ૪૯ ટકાએ પહોંચી ગઈ.
કાળક્રમે તેની માત્રા વધતી ગઈ. તમિળ નાડુમાં તો ૬૯ ટકા અનામત છે. તેમાંય પાછું એવો નિયમ કરાયો કે એસસી-એસટીની વ્યક્તિને તેમની જાતિના આધારે તો અનામત મળે જ પરંતુ તેમને સારા ગુણ હોય અને તેમને સામાન્ય વર્ગ સાથે મેરિટ પર પ્રવેશ/નોકરી મેળવવી હોય તો તે પણ મળી શકે. પછી પ્રમાશનમાં અનામત આવી. કાંગ્રેસે તો કર્ણાટકમાં ખાનગી કંપનીઓમાં પણ અનામતનો ખરડો લાવ્યો હતો. પરંતુ ઔદ્યોગિક જૂથોએ વિરોધ કર્યો તેથી પીછેહટ કરવી પડી.
તાજેતરમાં ૨૧ આૅગસ્ટે જંતરમંતર પર અનામત વિરોધીઓએ પ્રદર્શન કર્યું તેથી ફરી આ આંદોલન સળવળ્યું છે. અનામત વિરોધી આંદોલન દેશ અને ગુજરાતમાં ક્યારે-ક્યારે થયું? ઈ. સ. ૧૯૮૫માં ગુજરાતમાં, ઓબીસીને ૨૭ ટકા અનામત ઈ. સ. ૧૯૯૦માં વી. પી. સિંહ સરકારે લાગુ કરી ત્યારે દેશભરમાં, ૨૦૧૫માં ગુજરાતમાં પાટીદારોનું આંદોલન. ૧૯૮૫નું આંદોલન બાદ કરો તો બાકીના બધાં આંદોલનો આૅગસ્ટ મહિનામાં જ થયાં છે ! આૅગસ્ટને અમસ્તો જ ક્રાંતિનો મહિનો નથી કહેવાતો. યોગાનુયોગ, મંડળ પંચની રચના મોરારજી દેસાઈ સરકારે ૧૯૭૭માં કરી હતી. એટલે કે એક બિન કાંગ્રેસી સરકારે. જેમાં જનસંઘ જનતા પાર્ટીમાં વિલીન થઈને હતો. એ સરકારમાં ઓબીસી પ્રધાનોની સંખ્યા સારી એવી હતી. કાંગ્રેસની સરકારો અને ધારાસભ્યોમાં બ્રાહ્મણ, વાણિયા અને ક્ષત્રિયોની બોલબાલા રહેતી હતી.
જનસંઘથી લઈને ભાજપનું વલણ સમરસતા માટે દલિતો-આદિવાસીઓ અને ઓબીસીની તરફેણનું પહેલેથી રહ્યું છે, પણ એ વિધિની વક્રતા જ ગણાય ને કે તેની છાપ બ્રાહ્મણ, વાણિયાના પક્ષ તરીકે પડી ગઈ ! ૧૯૯૦માં જ્યારે મંડળ પંચની ભલામણોનો અમલ થયો ત્યારે પણ ભાજપ એક બહારથી સમર્થન આપનાર પક્ષ તરીકે હતો અને તેણે સરકારને ટેકો પાછો ખેંચ્યો તેનો મુદ્દો મંડળ પંચ નહોતો. તેનું કારણ એ હતું કે રામ રથયાત્રાને અટકાવી સમસ્તીપુરમાં લાલુપ્રસાદ યાદવે ભાજપ પ્રમુખ એલ. કે. અડવાણીની ધરપકડ કરી હતી.
ઉત્તર પ્રદેશમાં પ્રથમ વાર એક દલિત અને તે પણ મહિલા, માયાવતી મુખ્ય પ્રધાન બન્યાં તે ભાજપના ટેકાના કારણે.
મોદી સરકાર કેન્દ્રમાં આવ્યા પછી દલિતો-આદિવાસીઓ-ઓબીસીને અનામત, અને એટ્રાસિટી અધિનિયમ મુદ્દે તેનું વલણ સ્પષ્ટ રહ્યું છે. મોદી સરકારે ઈ. સ. ૨૦૧૫માં એક સુધારા દ્વારા એસ. સી. અને એસ. ટી.માં સૂચિબધ્ધ ચોક્કસ દંડપાત્ર ગુનાઓની સંખ્યા ૨૨થી વધારી ૪૭ કરી દીધી. રાષ્ટ્રપતિથી માંડીને પ્રધાનમંડળની રચનામાં જાતિઓનું વિશેષ ધ્યાન રખાવા લાગ્યું. પ્રધાનમંડળની રચના થાય તે પછી ભાજપ તરફથી જે અખબારી યાદી આવે તેમાં આ પ્રકારનું વર્ગીકરણ અપાવા લાગ્યું. આની પાછળ ૯૦ના દાયકામાં
આભાર – નિહારીકા રવિયા મંડળ પંચની ભલામણોના અમલ પછી જોર પકડેલું દલિત અને આદિવાસી રાજકારણ છે. તેના વિશે આ કાલમમાં વિસ્તૃત આ લેખકે એકથી વધુ લેખાંકની શ્રેણી લખી હતી. તેથી તેનું પુનરાવર્તન નથી કરતો. ભાજપની સવર્ણના પક્ષની છાપને મિટાવવા માટે ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ મુખ્ય હિન્દુત્વ અને અંદર ખાને પાટીદાર-ઓબીસી રાજકારણ કર્યું અને પછી કેન્દ્રમાં પણ ઓબીસી-આદિવાસી-દલિત-મહિલા રાજકારણ કર્યું. ઓબીસી આયોગની રચના ૨૦૧૮માં મોદી સરકારે જ કરી. આમ ભલે ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ સૂત્ર હતું પરંતુ વડા પ્રધાન મોદીજીનાં ભાષણો હોય કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનાં ભાષણો, એક વાક્ય અવશ્ય રહેતું ઃ હમારી સરકાર દલિતો, પીછડો, જનજાતીય સમાજ, ગરીબો, શોષિતો, વંચિતો કી હૈ. ૨૦૧૮માં સર્વોચ્ચ ન્યાયાલયે એસસી-એસટી ઍક્ટની કઠોર અને દુરુપયોગ થતી જોગવાઈઓને ઢીલી કરી ત્યારે દલિતોનું આંદોલન થયું હતું. (તે પહેલાં ૨૦૧૬માં ગુજરાતના ઉનામાં દલિતોને નિર્દય રીતે માર મારવામાં આવ્યો હતો તેના લીધે દેશભરના દલિતોમાં રોષ વ્યાપ્યો હતો અને તે પછી ૨૦૧૭માં બરાબર ગુજરાતની ચૂંટણી પહેલાં શરૂ થયેલી બીબીસીની વેબસાઇટ સહિત અનેક સેક્યુલર મીડિયામાં ભાજપ શાસિત રાજ્યોમાં દલિતની સાચી-ખોટી ફરિયાદ થાય તો પ્રમુખ રીતે સમાચાર આવવા લાગ્યા. આની સામે રાજસ્થાન, પંજાબ, કેરળ, તમિળનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણામાં કાંગ્રેસ કે અન્ય વિપક્ષી સરકારમાં મોટા પાયે દલિતોની ફરિયાદો થતી તેના સમાચારને અઘોષિત કટોકટીની જેમ દબાવી દેવાતા.
આથી ૨૦૧૮માં એટ્રાસિટી અધિનિયમની જોગવાઈઓ ઢીલી કરવા સામે આંદોલન થયું ત્યારે મોદી સરકાર ઝૂકી ગઈ. આ જ કાલમમાં ત્યારે (૧૬ સપ્ટેમ્બર ૨૦૧૮) આ લેખકે લખ્યું હતું કે આ મોદીની રાજીવ ગાંધીના શાહબાનો કેસ જેવી ક્ષણ છે.
સંઘ પ્રમુખ મોહન ભાગવતે ૨૦૧૫ની બિહાર ચૂંટણી પહેલાં નિવેદન કર્યું હતું કે અનામતની સમીક્ષા થવી જોઈએ કે કોને કેટલો લાભ મળ્યો. આ વાત દલિતો-આદિવાસીઓની પેટા જાતિઓ અંગે હતી, પરંતુ તેનો ખોટો અર્થ નીકળ્યો અને બિહારમાં એનડીએની સરકાર ન બની શકી. તે પછી તો સંઘ પ્રમુખનાં નિવેદન આવવા લાગ્યાં કે જ્યાં સુધી જેમને અનામતનો લાભ મળે છે તે એમ નહીં કહે કે હવે અમારે અનામત નથી જોઈતી અને જ્યાં સુધી સમાજમાં સામાજિક ભેદભાવ દૂર નહીં થાય ત્યાં સુધી અનામત ચાલુ રહે તેના અમે સમર્થક છીએ.
ત્યાં સુધી ભાજપ સમર્થક અને સવર્ણ એવા વર્ગમાં કોઈ મોટો ઉહાપોહ નહોતો, પરંતુ ૧૩ જાન્યુઆરી ૨૦૨૬એ વિશ્વ વિદ્યાલયો માટે યુજીસી સમાનતા નિયમો આવ્યા અને ઉહાપોહ શરૂ થયો. ઉપર લેખની શરૂઆતમાં જણાવ્યું તેવા મુદ્દે યુજીસીના સમાનતાના નિયમો અસમાનતા લાવનારા અને અન્યાયકારી હોવાથી જમણેરી લોકોએ વિરોધ શરૂ કર્યો. આ લેખકે ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના અંકમાં આ કાલમમાં ‘કોઈ જો અને તો’ વગર જણાવ્યું હતું કે યુજીસીના આ નિયમો ભેદભાવવાળા છે.
જુલાઈમાં સીજેપીનું આંદોલન સફળ થતાં અનામત હટાવોની વાત કરતા આંદોલનકારીઓ ફરી સળવળ્યા. ૨૧ આૅગસ્ટે ૨૦૨૬એ જંતરમંતર પર એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું અને ભાષણો થયાં. પરંતુ જે રીતે કાકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં પોલીસે કૂણું વલણ રાખ્યું તેવું અહીં ન થયું. આ આંદોલનને તરત જ ભાંગી નાખવા તેમની ધરપકડ-અટકાયતો થઈ.
આંદોલનકારીઓને તકલીફ એ વાતે પણ છે કે, એક તરફ, દલિતને જાતિસૂચક શબ્દ કહ્યા હોય કે ન કહ્યા હોય, તે કહે એટલે માની લેવામાં આવે છે કે કહ્યા જ હશે અને એટ્રાસિટી કેસમાં ઉચ્ચ વર્ગની વ્યક્તિને જેલમાં જવું પડે છે, પરંતુ ઉચ્ચ વર્ગની જાતિઓ સામે કંઈ બોલવામાં આવે તો તેવું થતું નથી. તમિળનાડુમાં તો સ્વતંત્રતા પહેલાંથી પરંતુ દેશમાં છેલ્લાં પાંત્રીસેક વર્ષથી કાંશીરામ-માયાવતી, લાલુપ્રસાદ યાદવ ઇત્યાદિ નેતાઓ બ્રાહ્મણ-વાણિયા-રાજપૂતો વિરુદ્ધ ‘તિલક તરાજુ ઔર તલવાર ઇન કો મારો જૂતે ચાર’, ‘ભૂરા બાલ સાફ કરો’ જેવાં અત્યંત ઘૃણાસ્પદ સૂત્રો સાથે ઘૃણા ફેલાવતા હતા. ૨૦૧૬માં જેએનયુમાં ત્રાસવાદી અફઝલ ગુરુને શ્રધ્ધાંજલિના કાર્યક્રમમાં મનુવાદ સે આઝાદી, બ્રાહ્મણવાદ સે આઝાદી જેવાં સૂત્રો ડાબેરી ડફલી ગેંગે પોકાર્યાં, તે પછી જેએનયુની દીવાલો પર બ્રાહ્મણ વિરોધી સૂત્રો લખાવાં લાગ્યાં. ડા. આંબેડકરને ભગવાન માનનારો નવ બૌદ્ધ વર્ગ ઊભો થયો જે બ્રાહ્મણ સહિતની કથિત ઉચ્ચ જાતિઓને ગાળો આપવા લાગ્યો. બ્રાહ્મણ તેની દીકરીને દલિત સાથે પરણાવે તેવી માગ થવા લાગી ! તેમાં સામાન્ય તો ઠીક, પરંતુ મધ્ય પ્રદેશના આઈએએસ અધિકારી સંતોષ વર્માએ તો એમ કહીને હદ કરી નાખી કે જ્યાં સુધી બ્રાહ્મણ તેની દીકરીને મારા દીકરા સાથે પરણાવે નહીં કે તેની સાથે સંબંધ ન રાખવા દે.” પરણવા સુધી તો હજુય સમજાય, પરંતુ આ સંબંધ રાખવા દેવા જેટલી નીચ વાત કરવાની?
એટ્રાસિટી કેસ હેઠળ ફરિયાદોની સંખ્યા વધવા લાગી. ૨૦૨૩માં ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે પણ કહ્યું હતું કે
સમાજમાં એટ્રાસિટી અધિનિયમનો દુરુપયોગ અનિયંત્રિત રીતે થઈ રહ્યો છે. તેણે એટ્રાસિટીના ગુનાઓમાં તપાસનીશ અધિકારીઓને ભારે બારીકાઈથી અને તટસ્થતાથી તપાસ માટે આદેશ આપ્યો હતો. રાજસ્થાનના એક દલિત આગેવાને એક પાડકાસ્ટમાં સ્વીકાર્યું હતું કે કેટલાક દલિતો માટે એટ્રાસિટી હેઠળ ફરિયાદ કરી તેના સમાધાન માટે તગડી રકમ પડાવવી એ વ્યવસાય બની ગયો છે.
આ બધા પર નિયંત્રણ ન મૂકાવાના કારણે બંને વર્ગો વચ્ચે ખાઈ વધતી જ ગઈ. આખાબોલા સ્વામી રામદેવે કહ્યું કે “જેમ એસસી-એસટી સમુદાયના લોકોનું અપમાન બંધારણની વિરુધ્ધ છે તેમ બ્રાહ્મણનું અપમાન પણ સંવિધાનની વિરુધ્ધ હોવું જોઈએ.”
પ્રખર અનામત વિરોધી જમણેરી પત્રકાર-સાશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અજિત ભારતી સંશોધનાત્મક અને તથ્ય-આંકડા સાથે વાત કરવા જાણીતા છે. તેઓ કહે છેઃ
૧. એક ભાઈ પાંચસોમાંથી અગિયાર ગુણ લાવ્યા અને શિક્ષક નિયુક્ત થઈ ગયા. (દૈનિક ભાસ્કર) અજિત ભારતી કહે છે કે પરીક્ષા કેટલી અઘરી રહી હશે કે પાંચસોમાંથી ૧૧ માર્ક લાવનારાને પણ એને યોગ્ય માનવામાં આવ્યો કે તે ભણાવી શકે છે. ૨. નીટ-પીજીમાં આઠસોમાંથી કેવળ એક માર્ક (કેવળ એક) ગુણ મેળવનારને તેલંગાણામાં માસ્ટર ઇન આૅર્થોપેડિક્સમાં પ્રવેશ આપવામાં આવ્યો. (એનડીટીવી) પરંતુ તેને ન દેતા જે ૪૪૦ માર્ક લાવ્યા છે કારણકે તે ઉચ્ચ જ્ઞાતિનો છે. ૩. સારી વાત છે કે મોદીજીએ ઈડબ્લ્યુએસ (આર્થિક રીતે નબળો વર્ગ) માન્યું કે સામાન્ય વર્ગનાં બાળકો પણ ગરીબ હોય છે. એસસી, એસટી, ઓબીસીને ફાર્મના પૈસા, હાસ્ટેલની ફી, કાર્સની ફીમાં સો ટકા છૂટ આપી, પરંતુ ઇડબ્લ્યુએસવાળાને પૂરી ફી ભરવી પડે છે. તેમ છતાં નાપાસ કોણ થાય છે, આટલી સબસિડી અને પાઝિટિવ ડિસ્ક્રિમિનેશન પછી પણ? (‘ધ હિન્દુ’ના સમાચાર કહે છે કે ૧૩,૫૦૦ એસસી, એસટી, ઓબીસી વિદ્યાર્થીઓએ છેલ્લાં પાંચ વર્ષમાં કેન્દ્રીય યુનિવર્સિટીઓ, આઈઆઈટી, આઈઆઈએમમાંથી અભ્યાસ છોડી દીધો છે, તેમ શિક્ષણ મંત્રાલય કહે છે.) ૪. ૨૦૧૬-૨૦૨૫ અવધિ માટેનો સમયગાળો બતાવે છે કે મીણા સમાજના લોકોનું તેમની જનસંખ્યાની સામે પ્રતિનિધિત્વ યુપીએસસીમાં ૧,૦૦૦ ટકા વધુ છે. પરંતુ સરકારમાં સાહસ છે કે તેમને આ સૂચિમાંથી બહાર કાઢી ભીલ અને આદિવાસીઓને આગળ કરી શકે? ના. અનામત વિરોધી આંદોલનના એક યુવાન નેતા તરીકે ઉભરી આવેલા તેજતર્રાર વક્તા આદિત્યરાજ સિંહ કહે છે, “મારી દૃષ્ટિએ આરક્ષણની આવશ્યકતા આ દેશમાં કોઈને નથી, સંરક્ષણની છે. સંરક્ષણ અને આરક્ષણમાં બહુ જ અંતર હોય છે. એક નાનકડો છોકરો દોડી નથી શકતો. આપણે પહેલાં તેને ચાલતા પણ શીખવાડીશું અને દોડવાનું પણ શીખવાડીશું. આ સંરક્ષણ થયું. આરક્ષણ એ થયું કે આપણે તેને કહી દઈએ કે તારે ક્યારેય ચાલવાની આવશ્યકતા જ નથી. તને સદા ખોળામાં રાખીશું. અને જો માબાપ બાળકનો હાથ નાનપણમાં ન પકડે તો દુર્ઘટના થઈ શકે છે અને મોટું થયા પછી પણ પકડી રાખે તો બાળક પપ્પુ બની શકે છે.” સમય પાકી ગયો છે કે દલિતોને જાતિના નામે થતો અન્યાય પણ દૂર થાય, દલિતોની અંદરની જાતિને અનામતનો લાભ મળી તે ઉપર ઊઠે અને ઉપર ઊઠેલી જાતિ પોતે વિચારે કે ક્યાં સુધી અનામત મેળવી પોતાના જ બાંધવોના અધિકારો પર તરાપ મારીશું, સંઘ-ભાજપ પણ સીજેપી જેવા નવા પક્ષના દબાણમાં આવી જેન-ઝીની રટ લગાવવા લાગે છે તો પોતાના તરફી આ જમણેરી અનામત વિરોધી આંદોલનકારીઓની પણ વાત લક્ષમાં લે, તેમની પીડાને નાથવા યોગ્ય કાયદાકીય જોગવાઈઓ કરે. jaywant.pandya@gmail.com













































