કોઈપણ ધર્મગ્રંથમાંથી અવતરણ ટાંકતા પહેલા તેનો અભ્યાસ કરી લેવો જરૂરી હોય છે. ભારતીય ધર્મદર્શન અને ધર્મગ્રંથો શાસ્ત્રાર્થના નીચોડ સ્વરૂપે પ્રગટ થયા છે. વેદથી ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર જેવી નિષ્કર્ષ પરંપરાની યાત્રા છે. તલસ્પર્શી અભ્યાસ કરીને દલીલોમાં ઉતારવાને શાસ્ત્રાર્થ કહેવામાં આવે છે, અભ્યાસ વિના થતી દલીલોને માથાકૂટ કહેવાય. નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીએ પુણે ખાતે છાત્રો કી ગુંજ કાર્યક્રમમાં ભારતના ધર્મશાસ્ત્રની સૌથી પ્રાચીન રચના મનુસ્મૃતિનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેમાં મહિલાઓની આધિનતાની વાતો માત્ર છે. હિંદુ ધર્મનો આ ગ્રંથ પેટ્રીઆર્કી (પિતૃસત્તાત્મક) છે. અને એમના માનવા મુજબ આજે પણ હિંદુ સમુદાય મનુસ્મૃતિને અનુસરીને મહિલાઓને દબાવી રાખી રહ્યો છે, જે પીંજરું તોડીને મહિલાઓએ સ્વતંત્ર થવાની વાત એમણે કરી. મનુસ્મૃતિનો ઉલ્લેખ કરવાનો સાફ મતલબ એ થયો કે એમના માનવા મુજબ માત્ર હિંદુ મહિલાઓ પર આ અત્યાચાર થઇ રહ્યો છે. હિંદુઓ મહિલાઓની બાબતમાં માત્ર મનુસ્મૃતિને અનુસરે છે. બીજા સંપ્રદાયની મહિલાઓ સ્વતંત્રતાના પરિમાણ પર દુનિયામાં સૌથી આગળ છે. મહિલા સમુદાયની ચિંતા કરતા રાહુલ ગાંધીના પોતાના જ એક કાર્યક્રમમાં ઇટલીના મહિલા વડાપ્રધાન પર તેમના અને તેમના સાથીદાર દ્વારા અભદ્ર ટીપ્પણી અને મજાક દેશની જનતાએ તાજેતરમાં જ જોઈ છે. મહિલા સન્માન અંગે તેમના પક્ષ દ્વારા, ખાસ તો એમના દિવંગત પિતાશ્રી રાજીવ ગાંધી દ્વારા સુપ્રીમ કોર્ટના મુસ્લિમ મહિલાને ન્યાય અપાવતા ચુકાદાને સંસદમાં કાયદો પસાર કરીને ઉથલાવવાનો ઈતિહાસ પણ બહુ જુનો નથી. (શાહબાનો કેસ) એમના બહેન પ્રિયંકા વાડ્રા ગાંધીને બાવનમાં વર્ષે સંસદ સભ્યપદ મળ્યું, રાહુલ ગાંધીને ૨૦૦૪માં ૩૪ વર્ષની ઉમરે મળી ગયું હતું. એ આડવાત છે કે આજે કોંગ્રેસમાં પણ છાને ખૂણે ચર્ચા થઇ રહી છે કે પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી કરતા વધુ પરિપક્વ છે. એમના શાસન હેઠળના કર્ણાટક રાજ્યના મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા શૂન્ય છે. કદાચ કર્ણાટક એમની મહિલા સશક્તિકરણની વ્યાખ્યાથી બહાર છે. એમના માટે મહિલા અધિકાર અને સન્માન પોતાના ચશ્માથી જોવાથી જ સાફ દેખાય છે અને એ જ પરિપ્રેક્ષ્ય સાચો છે. હકીકત એ છે કે લગભગ કોઈ એવો હિંદુ નહિ હોય જે મુસ્લીમો જેમ કુરાનને અનુસરે છે તેમ મનુસ્મૃતિને અનુસરતો હોય.
ભારતનો કોઈ હિંદુ કોઈ ધાર્મિક પુસ્તકના આધાર માત્રથી નથી ચાલતો, એક આખી હિંદુ વિભાવનાથી ચાલે છે. બધા પુસ્તકોમાંથી જરૂરિયાતનું ગ્રહણ કરીને ચાલે છે. હિંદુ પુસ્તક આધારિત ધર્મ નથી. રાહુલ ગાંધી સનાતનને નીચો દેખાડવા કે હડધૂત કરવાનો એક પણ મોકો છોડતા નથી. એમની તાકાત નથી કે જે જ્ઞાન એમણે
મનુસ્મૃતિનું દોહન કરીને સ્વમુખથી ઉચ્ચાર્યું છે એવું ક્રીશ્ચિયાનીટી કે ઇસ્લામના ધર્મગ્રંથોનું દોહન કરીને જાહેરમાં બોલી બતાવે, એ પ્રજા રાહુલ ગાંધીની શું દશા કરશે એ તેઓ બખૂબી જાણે છે, પણ એક વાત સાફ છે કે પોતાના હિંદુ વિરોધી માનસિકતા અને વલણને લઈને રાહુલ ગાંધીએ હિન્દુત્વનું મેદાન ભાજપ માટે સાફ કરી આપ્યું છે.
સંદર્ભને થોડો ઊંડો તપાસીએ તો ભારતમાં લગભગ બધા સર્વોચ્ચ પદો પર મહિલાઓને પ્રતિનિધિત્વ મળી ચુક્યું છે, હાલમાં પણ દેશના સર્વોચ્ચ પદ પર એક આદિવાસી મહિલા બિરાજમાન છે. જે દેશ સાથે તેઓ ભારતની સરખામણી કરીને દેશને નીચો દેખાડતા રહે છે એ અમેરિકામાં હજુ સુધી કોઈ મહિલા રાષ્ટ્રપ્રમુખ બન્યા નથી. અમેરિકા ૧૭૭૬માં આઝાદ થયો ત્યારબાદ લગભગ દોઢસો વર્ષ બાદ અમેરિકન સ્ત્રીઓને મતાધિકાર મળ્યો અને એ પણ લાંબી લડત બાદ. જયારે ભારતમાં મહિલાઓને અધિકાર પુરુષોની સાથે આઝાદી બાદ તુરંત મળ્યો. મનુસ્મૃતિ કહે છે કે સ્ત્રીઓને આર્થિક વહીવટમાં, વેદ અધ્યયનમાં, આધ્યાત્મિક કાર્યોમાં, ધાર્મિક અનુષ્ઠાન અને વિધિઓમાં, તથા પરિવારના પોષણ અને આરોગ્ય સંરક્ષણ જેવા અગત્યના કાર્યોમાં આગેવાન બનાવવી. આનાથી વિશેષ નારી સન્માન બીજું શું હોઈ શકે ?
બીજો મુદ્દો પૂર્ણ વંદેમાતરમ ગાવા અંગેનો છે. વંદેમાતરમના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રામકૃષ્ણ પરમહંસના સમકાલીન અને તેમની નજીકના મિત્ર હતા. એમણે આનંદમઠની રચના કરી જેમાં વંદે માતરમનો સમાવેશ કરાયો હતો. આઝાદીની ચળવળો ત્યારે પૂર્ણ ચરમ પર હતી એટલે જોતજોતામાં વંદે માતરમ સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદનું પ્રતીક બની ગયું. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે આ માટે ધૂન તૈયાર કરી અને વંદે માતરમની લોકપ્રિયતા ઝડપથી વધવા લાગી. વંદે માતરમ એ રચના છે જેનું ગાન કરતા કરતા ભારતના અનેકો નવલોહિયા માં ભોમની આઝાદી કાજે ફાંસીએ ચઢી ગયા હતા. આ એ ગીત હતું જેનું ગાન થતા અંગ્રેજોના પેટમાં ચૂંથારો ઉપડતો જે આજે ચોક્કસ પક્ષ અને વર્ગના પેટમાં ઉપડે છે. ગત પંદરમી ઓગસ્ટના રોજનું કોંગ્રેસ મુખ્યાલયનું એ દ્રશ્ય લાઈવ કેદ થઇ ગયું જયારે વંદેમાતરમના ત્રીજા પદનું ગાયન શરુ
થયું અને કોંગ્રેસી આગેવાનોના ચહેરાઓ પર જે ભાવભંગિમાઓ પ્રગટી, એ આખા દેશની જનતાએ જોઈ. આવું જ વલણ વંદેમાતરમ માટે વર્ષો પહેલા મુસ્લિમ લીગ અને અંગ્રેજોએ લીધેલું. મુસ્લિમોનો તર્ક એક વખત સહિષ્ણુતાના નામે સ્વીકારી પણ લઈએ તો પણ કોંગ્રેસનો કોઈ તર્ક ગળે ઉતરે એમ નથી. એ દેશનો સૌથી જુનો રાજકીય પક્ષ છે, રાજકીય પક્ષ કોમી ન હોઈ શકે. કોઈ સમુદાયનું તૃષ્ટિકરણ એ પક્ષની વિચારધારા હોઈ શકે છે, પરંતુ એ વાજબી ઠેરવવા બીજા સમુદાયને ઠોકરો મારતી રહેવી રાજકીય ડહાપણ નથી. આઢાર ટકાને રાજી રાખવા બ્યાંસી ટકાની ખફગી વહોરી લેવી પણ રાજકીય ડહાપણ નથી. વંદેમાતરમ ન ગાવું એ તમારૂ અંગત મંતવ્ય કે ઈચ્છા હોય શકે છે, પણ એક રાજકીય પક્ષ તરીકે ન ગાવાની જીદ જાહેરમાં પ્રગટ કરવી પણ રાજકીય ડહાપણ નથી.

જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે, ત્યાં દેવતા નિવાસ કરે છે. અને જ્યાં સ્ત્રીઓની પૂજા નથી થતી ત્યાં કરેલા બધા સારા કર્મો નિષ્ફળ થઇ જાય છે. production@infiniumpharmachem.com