અમરેલી શહેરના વિશાળ વસ્તી ધરાવતા જેશીંગપરા વિસ્તારમાં આવેલ અમરેલી નગરપાલિકાના સિવિક સેન્ટર ખાતે PGVCLનું ગ્રાહક સુવિધા કેન્દ્ર શરૂ કરવા માટે નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયાએ મંત્રી કૌશિકભાઈ વેકરીયાને પત્ર લખીને રજૂઆત કરી છે. હાલમાં આ વિસ્તાર અને આસપાસના નાગરિકોને વીજળી સંબંધિત નાની-મોટી કામગીરી માટે શહેરના અન્ય વિસ્તારોમાં જવું પડે છે, જેનાથી ખાસ કરીને મહિલાઓ, વડીલો અને સામાન્ય લોકોને સમય અને અવરજવરની મુશ્કેલી પડે છે.આ પ્રસ્તાવિત કેન્દ્ર ખાતે વીજ બિલ ભરવું, વીજ પુરવઠા અંગેની ફરિયાદો નોંધાવવી, નવા જોડાણ કે નામ ફેરફારનું માર્ગદર્શન મેળવવું અને વીજ ખાતાની માહિતી જેવી મૂળભૂત સેવાઓ ઘરઆંગણે મળી રહે તેવો અનુરોધ કરાયો છે. વધી રહેલી વસ્તીને ધ્યાને રાખીને નાગરિકોને સરળ અને સત્વરે સેવાઓ પૂરી પાડવા માટે સંબંધિત અધિકારીઓને આ અંગે જરૂરી સૂચનાઓ આપવા પત્રમાં આગ્રહ રખાયો છે.











































