આગામી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. કોંગ્રેસ પક્ષે પણ ચૂંટણીલક્ષી તૈયારીઓને વેગ આપતા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે. ઓગસ્ટ મહિનામાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો પાસેથી ફોર્મ મંગાવવામાં આવ્યા હતા. ૧૩ ઓગસ્ટથી ૧૯ ઓગસ્ટ દરમિયાન કોંગ્રેસના નેજા હેઠળ કેટલાક ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યા હતા.
ગાંધીનગર મહાનગરપાલિકાના કુલ ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે કોંગ્રેસને કુલ ૧૬૭ ફોર્મ મળ્યા છે. જેમાં વોર્ડ નંબર-૬માંથી સૌથી વધુ ૨૭ ફોર્મ આવ્યા છે. ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી હવે કોંગ્રેસ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી મહત્વની બની છે.
કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર સેક્ટર-૨૨ સ્થિત શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મળેલા ૧૬૭ ફોર્મમાંથી ૧૩૭ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સેન્સ પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા છે. ઉમેદવારોની સેન્સ લેવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ચાર સભ્યોની કમિટી ગાંધીનગર પહોંચી છે. જેમાં જગત શુક્લ, સંજયભાઈ અમરાણી, દિનેશભાઈ ગઢવી અને પંકજસિંહ વાઘેલા કાર્યકરોને સાંભળી રહ્યા છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાપના વર્ષ ૨૦૧૧માં કરવામાં આવી હતી. પ્રથમ ચૂંટણીમાં કુલ ૩૩ બેઠકો હતી, જેમાં કોંગ્રેસે ૧૮ બેઠકો જીતીને સત્તા મેળવી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૬માં બીજી ચૂંટણી યોજાઈ હતી. આ વખતે કુલ ૩૨ બેઠકો હતી અને ભાજપ તથા કોંગ્રેસે ૧૬-૧૬ બેઠકો જીતી હતી. જાકે બાદમાં કોંગ્રેસના પ્રવીણ પટેલે પક્ષપલટો કરતા ભાજપના હાથમાં સત્તા આવી હતી.
કોરોના બાદ વર્ષ ૨૦૨૧માં ત્રીજી વખત ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કુલ ૪૪ બેઠકો હતી. ભાજપે ૪૧ બેઠકો પર ભવ્ય જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર ૨ બેઠકો અને આમ આદમી પાર્ટીને ૧ બેઠક મળી હતી. જાકે ૨૦૨૧ની ચૂંટણી બાદ અડધી ટર્મ પૂર્ણ થાય તે પહેલાં જ કોંગ્રેસના બંને વિજેતા કોર્પોરેટરોએ કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસનું મનપામાં પ્રતિનિધિત્વ પણ સમાપ્ત થઈ ગયું હતું.









































