અમરેલીમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા અને અમરેલી નગર દ્વારા રક્ષા સૂત્ર બાંધવાનો ભાવસભર કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ માતૃ શક્તિ અને દુર્ગા વાહિનીની બહેનોએ અમરેલી જિલ્લા જેલની મુલાકાત લીધી હતી. અહીં ઇન્ચાર્જ અધીક્ષક અર્જુનસિંહ પરમાર, જેલર જે. આર. ચાનીયા, જેલ સ્ટાફ તેમજ બંદીવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બહેનોએ ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ રાષ્ટ્ર અને સમાજની સુરક્ષામાં યોગદાન આપતા ભાઈઓ પ્રત્યે સ્નેહ અને સન્માનની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં રશ્મિનભાઈ ત્રિવેદી, ડો. પંકજભાઈ ત્રિવેદી, પંકજભાઈ કાનાણી, લાલજીભાઈ ચાવડા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.










































