અમરેલીમાં થયેલા લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકોના મોતની ગંભીર ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમરેલીના રાજકમલ ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાની જવાબદારી નક્કી કરી ગુજરાતના ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ સાથે કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે આશરે ૨૦ જેટલા AAP કાર્યકરોની અટકાયત કરી હતી. પ્રદેશ સંગઠન મંત્રી અને જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યકરોએ લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકોના મોત અંગે સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી સમગ્ર મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી હતી.