બગસરા મુકામે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રક્ષાબંધનના પવિત્ર પર્વની શ્રધ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજ વાડી ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બગસરા શહેરમાંથી મોટી સંખ્યામાં ભૂદેવો અને બ્રહ્મ પરિવારો જોડાયા હતા. રક્ષાબંધનના શુભ દિવસે સનાતન ધર્મની પરંપરા મુજબ શ્રાવણી ઉપાકર્મની વિધિ કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂદેવોએ જૂની જનોઈનો ત્યાગ કરી નવી જનોઈ ધારણ કરી હતી. જનોઈ બદલવાની વિધિ બાદ બ્રહ્મચોર્યાશીનું આયોજન કરવામાં આવ્યું હતું.










































