ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને આસ્થાના કેન્દ્ર એવા બહુચરાજી માતાજીના મંદિરનો ભવ્ય કાયાકલ્પ હવે ઝડપથી સાકાર થઈ રહ્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજે ?૭૬.૫૧ કરોડના ખર્ચે હાથ ધરાયેલા મંદિરના પુનઃનિર્માણ અને સર્વાંગી વિકાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું આશરે ૬૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. સોમનાથ, દ્વારકા, પાવાગઢ અને અંબાજીની તર્જ પર બહુચરાજી ધામને પણ આધુનિક સુવિધાઓ સાથે વૈÂશ્વક સ્તરના યાત્રાધામ તરીકે વિકસાવવાની દિશામાં કામગીરી આગળ વધી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૩૯ પવિત્ર તીર્થોના જળ અને સાત સ્તરની માટીથી ભૂમિ શુદ્ધિકરણ સાથે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિરના નવનિર્માણની કામગીરી પુરજાશમાં શરૂ કરવામાં આવી હતી.
નવા મંદિરની ડિઝાઇન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના માર્ગદર્શન હેઠળ આર્કિટેક્ટ અને અર્થ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે. સમગ્ર મંદિરની રચના વાસ્તુશા†ના સિદ્ધાંતોને અનુરૂપ રાખવામાં આવી છે. મુખ્ય મંદિરનું નિર્માણ રાજસ્થાનના બંસી પહાડપુરના લાલ પથ્થરથી કરવામાં આવશે. મંદિરના શિખરની ઊંચાઈ ૮૬ ફૂટ ૧ ઇંચ રાખવામાં આવી છે. મંદિરના સ્તંભો, તોરણો, બાહ્ય એલિવેશન, સામરણ અને મુખ્ય પ્રવેશદ્વાર પર સુંદર અને ઝીણવટભરી કલાત્મક કોતરણી કરવામાં આવશે. હાલના મંદિર પરિસરની જગ્યાએ વિશાળ ગૂઢમંડપ અને નૃત્યમંડપ સહિતનું ભવ્ય મંદિર આકાર લઈ રહ્યું છે. નવી રચનામાં ધાર્મિક ભવ્યતા સાથે પરંપરાગત સ્થાપત્યકળાને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
પ્રથમ તબક્કાની કામગીરી આગળ વધતાં હવે પ્રોજેક્ટના બીજા તબક્કાના આયોજન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. નાયબ વહીવટદાર સુરેશ ઠાકોરના જણાવ્યા મુજબ મંદિરની આસપાસના ૫૦૦ મીટરના સમગ્ર વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ કરવામાં આવશે. આ સાથે ઐતિહાસિક બાંધલિયા તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે. તળાવની આસપાસ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે સુંદર વોક-વે, ગાર્ડનિંગ તથા અન્ય સુવિધાઓ વિકસાવવાની યોજના છે. આ વિકાસથી બહુચરાજી ધામમાં ધાર્મિક પ્રવાસન સાથે પ્રવાસીઓ માટેના આકર્ષણોમાં પણ વધારો થવાની શક્યતા છે.
મંદિર પરિસરના વિસ્તરણ અને માળખાકીય વિકાસને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આસપાસની સરકારી અને ખાનગી મિલકતોનો તબક્કાવાર સર્વે કરવામાં આવ્યો છે. ૭૫ મીટરની ત્રિજ્યામાં મંદિર અને સરકારી માલિકીની ૪૪, ખાનગી માલિકીની ૫૧ તથા ૬ ધર્મશાળા સહિત કુલ ૧૦૧ મિલકતોની નોંધણી કરવામાં આવી છે. જ્યારે ૧૫૦ મીટરની ત્રિજ્યામાં ૯૫ સરકારી અને ૫૩ ખાનગી મળી કુલ ૧૪૮ મિલકતોનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. હવે ૫૦૦ મીટરની ત્રિજ્યામાં સર્વેક્ષણ હાથ ધરાઈ રહ્યું છે. આ સર્વે ભવિષ્યના વિકાસકાર્યો, સુવિધાઓ અને માળખાકીય આયોજન માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
બહુચરાજી માતાજીનું મંદિર ઐતિહાસિક વારસો ધરાવે છે. ઉપલબ્ધ ઐતિહાસિક સંદર્ભો અનુસાર વડોદરાના રાજવી મનજીરાય ગાયકવાડ દ્વારા સંવત ૧૮૩૫થી ૧૮૩૯ દરમિયાન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૫માં આશરે ૮ કરોડના ખર્ચે મંદિરનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન મંદિરના શિખરની મૂળ ૫૬ ફૂટની ઊંચાઈ ઘટાડીને ૪૯ ફૂટ કરવામાં આવી હતી. ત્યારબાદ શિખર ધસી પડવાની ઘટનાને પગલે સ્થાનિક ભક્તોમાં ભારે રોષ અને વિવાદ સર્જાયો હતો.










































