હડાદ પંથકમાંથી લોહીના સંબંધને લાંછન લગાવતી એક ચકચારી ઘટના સામે આવી છે. ધાગડીયા ગામે નજીવી બાબતે થયેલા ઝઘડામાં કળિયુગી પુત્રે પોતાના વૃદ્ધ પિતાની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે. ઘટનાની ગંભીરતાને જાતાં હડાદ પોલીસ અને એલસીબીની ટીમોએ તુરંત તપાસના ચક્રો ગતિમાન કરી, ગણતરીના કલાકોમાં જ હત્યારા પુત્રને હત્યામાં વપરાયેલ હથિયાર સાથે પોશીના તાલુકામાંથી ઝડપી પાડ્યો છે.
હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ધાગડીયા ગામે ૨૭ ઓગસ્ટની રાત્રે એક કમકમાટીભરી ઘટના ઘટી. ૭૧ વર્ષીય વૃદ્ધ પિતા દેવાભાઈ મેતાભાઈ મકવાણા સાથે તેમના જ પુત્ર હોમીરાભાઈ મકવાણાએ કોઈ બાબતે ઉગ્ર ઝઘડો કર્યો હતો. આવેશમાં આવી પુત્ર હોમીરાભાઈએ પિતા પર છરી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે વૃદ્ધ પિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપી પુત્ર અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.
સમગ્ર બનાવ અંગે હડાદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૦૩(૧) હેઠળ હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે હડાદ પોલીસ અને એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે, ટીમોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પોશીના તાલુકાના દોતડ ગામ ખાતેથી આરોપી પુત્ર હોમીરાભાઈને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો. પોલીસે હત્યામાં વપરાયેલી છરી પણ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.