અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં કૌટુંબિક અને સગાઈ બાબતે થયેલી તકરારમાં ૨૭ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ચકચારી ઘટનામાં અમરાઈવાડી પોલીસે ચાર પૈકી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, અમરાઈવાડી વિસ્તારમાં રહેતા રણજિત આહિરવાલ (ઉં.વ. ૨૭)ના લગ્ન સ્વાતિ સાથે થયા હતા. દંપતીને પાંચ વર્ષની પુત્રી છે. વૈવાહિક વિવાદના કારણે છેલ્લા ત્રણ મહિનાથી સ્વાતિ તેના પિતા રવિશ જાટવના ઘરે અમરાઈવાડીના પ્રગતિનગર વિસ્તારમાં રહેતી હતી. ૨૮મી ઓગસ્ટના રોજ બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવવા માટે પ્રગતિનગર ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન અગાઉ રણજીતના નાના ભાઈ કરણ અને સ્વાતિના કાકા સરવીરની પુત્રીની સગાઈના પ્રસ્તાવ અંગે થયેલો મતભેદ ફરી સપાટી પર આવ્યો હતો. કરણે આ સગાઈનો અસ્વીકાર કર્યો હોવાથી સ્વાતિના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા.ઘરમાં દલીલો વધતાં આહિરવાલ પરિવાર ત્યાંથી નીકળી ગયો હતો. જાકે, સ્વાતિના પરિવારના સભ્યો તેનો પીછો કરવા લાગ્યા હતા. જ્યારે આહિરવાલ પરિવાર મેટ્રો પિલર નંબર ૫૧ પાસે પહોંચ્યો, ત્યારે રજત ઉર્ફે અજ્જુ જાટવ, રચિત જાટવ, કરણ જાટવ અને ચંદન નામના શખ્સોએ તેમને ઘેરી લીધા હતા. ફરિયાદ અનુસાર, રજત અને રચિત પાસે છરીઓ હતી. રજતે રણજિતનો શર્ટ પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ રચિતે રણજીતની પીઠમાં અને રજતે પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. વચ્ચે પડેલા કૌટુંબિક ભાઈ અમરજીત જાટવ પર પણ હુમલો કરી તેને ઈજાગ્રસ્ત કરાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા રણજિતને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. ઘટના અંગે કરણ આહિરવાલની ફરિયાદના આધારે અમરાઈવાડી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ જાગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે રચિત જાટવ અને કરણ જાટવની ધરપકડ કરી છે, જ્યારે ફરાર આરોપી રજત અને ચંદનને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.










































