અમરેલીના વતની ગો.વા. રંજનબેન રમણીકભાઈ વાકોતર (ઉંમર ૮૩ વર્ષ)નું હૃદયરોગના હુમલાને કારણે દુઃખદ અવસાન થયું હતું. પરિવારજનો શોકમાં ગરકાવ હોવા છતાં માનવસેવાની ભાવનાને પ્રાથમિકતા આપી રંજનબેનના ચક્ષુદાનનો ઉમદા નિર્ણય લીધો હતો. પરિવાર દ્વારા કરવામાં આવેલા ચક્ષુદાનથી જરૂરિયાતમંદ વ્યક્તિના જીવનમાં દૃષ્ટિનો પ્રકાશ લાવવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. દુઃખની ઘડીમાં પરિવારજનોએ લીધેલો આ નિર્ણય સમાજ માટે માનવતા, સેવાભાવ અને પરોપકારનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યો છે. ચક્ષુદાન અંગે જાગૃતિ વધે અને વધુ લોકો મૃત્યુ બાદ ચક્ષુદાન માટે આગળ આવે તેવો સંદેશ પણ આ સેવાકાર્યથી મળ્યો છે. પરિવારના આ ઉમદા નિર્ણયને સૌએ બિરદાવ્યો હતો અને સ્વ. રંજનબેનને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.