લાઠી ખાતે ભીડભંજન મંદિર પરિસરમાં ૭૭મા વન મહોત્સવની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, લાઠી નગરપાલિકા પ્રમુખ, વિવિધ સંગઠનોના આગેવાનો તથા જંગલ ખાતાના અધિકારીઓ સહિતના મહાનુભાવો અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણનું જતન કરવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને વાવેલા વૃક્ષોનું નિયમિત રીતે જતન કરવા લોકોને અપીલ કરી હતી. વૃક્ષોનું સંવર્ધન કરવાથી પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું રાખી શકાય છે, ત્યારે દરેક નાગરિકે વૃક્ષારોપણને પોતાની જવાબદારી સમજીને તેમાં સહભાગી બનવું જરૂરી હોવાનું જણાવાયું હતું. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણની જાળવણી, વૃક્ષોના સંરક્ષણ અને હરિયાળી વધારવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વન મહોત્સવ માત્ર વૃક્ષારોપણ પૂરતો સીમિત ન રહે, પરંતુ વાવેલા વૃક્ષો ઉછરે અને તેનું યોગ્ય જતન થાય તે દિશામાં પણ સૌએ કામગીરી કરવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમથી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.