સાવરકુંડલાના એસટી વર્કશોપમાં સલામત સવારીની જવાબદારી ધરાવતી એસટી બસની અડફેટે મહિલા મુસાફર આવી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. વર્કશોપમાં રિપેરિંગ માટે આવેલી બસમાં હેડ મિકેનિક ડીઝલ પુરાવી બસ પરત લઈ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. બસની અડફેટે આવી જતાં મોટી આંબરડી ગામના ગોદીબેન શંભુભાઈ પરમાર (ઉંમર વર્ષ ૮૦)ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. એસટી વર્કશોપની અંદર મહિલા મુસાફર બસની અડફેટે કઈ રીતે આવ્યા તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.










































