અમરેલી તાલુકાના ચાપાથળ ગામના ગ્રામજનો દ્વારા આજે અમરેલી કલેક્ટર તેમજ ખાણ-ખનીજ વિભાગના અધિકારીને ખાણ-ખનીજ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન ગ્રામજનોએ કચેરી ખાતે રામધૂન બોલાવી રેતીચોરી બંધ કરોના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે ચાપાથળ ગામની નદીમાંથી રેતી ચોરો દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે. રેતીના ગેરકાયદે ખનન માટે ડમ્પર, જેસીબી, ટ્રેક્ટર અને હિટાચી જેવા વાહનો અને સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ અંગે અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.વધુમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે રેતી ભરેલા ડમ્પરો ચાપાથળ ગામમાંથી પૂરઝડપે પસાર થતા હોવાથી અકસ્માત સર્જાવાની ભીતિ રહે છે. ગામમાંથી ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ રાખવા તેમજ ગેરકાયદે રેતી ખનન તાત્કાલિક બંધ કરાવવા ગ્રામજનોએ તંત્ર સમક્ષ માંગ કરી છે.ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા રેતી માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ચાપાથળ ગામના લોકો અમરેલી કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરશે.









































