અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં દારૂબંધી અને ગેરકાયદેસર રેતી ખનન માત્ર કાગળ પર જ અમલમાં હોવાના આક્ષેપ સાથે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય વિપુલકુમાર મગનભાઈ દૂધાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યા અનુસાર, સરકારની કડક સૂચનાઓ હોવા છતાં પોલીસ અધિકારીની મીઠી નજર તળે લીલીયા શહેર અને તાલુકાના ૩૭ ગામોમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, તેમજ શેત્રુંજી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન ચાલુ છે. લોકચર્ચા મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં દારૂના કારણે ૨૫ થી ૫૦ વર્ષની વયના આશરે ૭૫ થી ૮૦ લોકોના મોત થયા છે. કમાનાર વ્યક્તિ ગુમાવતા અનેક પરિવારો નિરાધાર બન્યા છે.
રેતી ખનનના વાહનોના અકસ્માતથી પણ મૃત્યુ થયા છે. આ પરિસ્થિતિ અંગે યોગ્ય તપાસ કરી કડક અમલવારી કરવા માંગ કરવામાં આવી છે.










































