અમરેલીના વાંકિયા ગામે નજીવી વાતમાં બબાલ થઈ હતી. નિલેશભાઈ મનસુખભાઈ કુકવાવા (ઉ.વ.૩૬)એ સાગરભાઈ બાબુભાઈ દાતેવાડીયા, શારદાબેન બાબુભાઈ દાતેવાડીયા, રેણુકાબેન મયુરભાઈ દાતેવાડીયા તથા વિલકુબેન શ્યામભાઈ જુવાદરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ રાત્રીના સમયે ધાવડી માતાજીના મંદિરવાળા ખાચામાં ખુલ્લી જગ્યા પાસે તેઓ ઊભા હતા. તે દરમિયાન આરોપી સાગરભાઈ બાબુભાઈ દાતેવાડીયા ફોનમાં ગાળો બોલતા હતા. જેથી તેમણે સાગરભાઈને ગાળો બોલવાની ના પાડતાં એકદમ ઉશ્કેરાઈને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ સાંભળી સાહેદ કાજલબેન ત્યાં આવી ગયાં હતાં. તેમને પણ સાગરભાઈના માતા શારદાબેન તથા રેણુકાબેન મયુરભાઈ દાતેવાડીયા તથા વિલકુબેન શ્યામભાઈ જુવાદરીયા એમ ત્રણેયએ ભેગા મળીને આડેધડ મૂંઢ માર માર્યો હતો. તેમજ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. જે. ગોંડલીયા વધુ તપાસ કરી રહ્યા છે.










































