રાખનાં રમકડાં
“સાચું…” દામલે કહ્યું એટલે વળી શાંતુ બોલીઃ “તમે નિરાંતે આરામ કરો. ઘણા બધા દિવસથી ઘર બંધ હતું એટલે હું ઘર વાળીને પછી પોતું પણ કરી નાખું. પહેલાં આટલું કર્યા પછી જ બીજા કામની સૂઝ પડશે…”
“તારી વાત સાચી છે, એમ જ કર. જે ને બધે જ ધૂળના થર જામ્યા છે…”
શાંતુ ઊભી થઈને સફાઈના કામમાં લાગી ગઈ. બધા જ રૂમમાં વાળી-ચોળીને સાફ-સફાઈ કરતાં દોઢ કલાકનો સમય વીતી ગયો. ક્યારેક ક્યારેક દામલ કામ કરતી શાંતુને જોતો ત્યારે તેને ખૂબ જ ગર્વ થતો. થતું હતું કે, સવારથી લઈ સાંજ સુધી શાંતુ તો બસ… કામ…કામ…ને કામ કર્યા જ કરે છે. તે જરાયણ થાકતી જ નથી. કામ કરવાથી તે ક્યારેય કંટાળતી પણ નથી.
આમ સાંજના છ થયા. બધું જ કામ પૂરું થઈ ગયું હતું. ઘરના દરેક રૂમ સાવ સ્વચ્છ થઈ ગયા પછી દામલ પાસે સોફા પર બેસતાં શાંતુ બોલીઃ
‘હવે આ ઘર જેવું લાગે છે, મને નિરાંત થઈ, જુઓ બધું કામ થઈ ગયું. પંદર દિવસ આપણે કમળાપુર રહ્યાં ત્યાં બધાં ભેગાં બેસીને ખાતાં. ત્યારે કેવું બધું ભર્યું ભર્યું લાગતું હતું. અને હવે આજે આપણે અહીં આપણાં ઘરમાં ફક્ત બે જ છીએ, કેવું એકલું એકલું લાગે છે નહીં…?’ આવું સાંભળતાં દામલે તરત જ કહ્યું:
‘હા શાંતુ, તારી વાત એકદમ સાચી છે. આપણા પડોશીઓ, સરપંચ સાહેબ તથા મિત્રો અને બધા જ્ઞાતિજનોના આશીર્વાદથી આપણું આવડું મોટું દુઃખ ઘણું ઓછું થઈ ગયું છે. જો આ બધાનો સહારો અને આશ્વાસન ન મળ્યાં હોત તો આપણું શું થાત…?’
‘એટલે જ તો આપણે બધા સાથે સંપને રહીએ છીએ. બીજું, કોઈના પણ દુઃખમાં સહભાગી થઈ ભાગ લઈએ તે તો ખૂબ પુણ્યનું કામ છે…’
આમ આગળ વાતો કરતાં હતાં ત્યાં જ મહેશ ડેલીમાં દાખલ પણ ચૂક્યો. પરંતુ આ શું…? દામલ અને શાંતુ તો મહેશની હાલત જોઈને સોફામાંથી સફાળા ઊભા થઈ ગયાં. ને દામલે તો ઝડપથી મહેશને પૂછી લીધું : ‘અરે મહેશ…! તને શું થયું…? આમ એકાએક…’
ત્યારે મહેશ તો એક એક ડગલું માંડ માંડ ભરી શકતો હતો. તેની આવી દશા જોઈ દામલે વળી પૂછ્યું હતું. અને થોડા સમય પછી મહેશ ડેલા પાસેથી બેઠક રૂમમાં સોફા સુધી માંડ માંડ પહોંચ્યો. સોફા પર બેસતાં એક ઊંડો શ્વાસ ભરી તે બોલ્યો:
‘સર…, તમે કમળાપુર ગયા પછી બરાબર સાતમે દિવસે અચાનક સવારે ઊઠ્યો ત્યારથી મને આવું થઈ ગયું છે. એ રાતે ઊંઘમાં મને કંઈક ઝાટકા જેવું આવ્યું. પછી તો માંડ માંડ હું ઊભો થઈ શક્યો. જેમ તેમ કરી ઓફિસે પણ માંડ માંડ હું પહોંચ્યો. ત્રણ-ચાર દિવસ આવું રહ્યું. અહીંના આર.એમ.પી. પાસે જઈ દવા પણ લીધી. એટલે ચોથા-પાંચમાં દિવસે થોડું સારું થયું. એમ પછી તો ઘણું સારું હતું. પરંતુ વળી પાછું ત્રણ દિવસ પહેલાં ફરી પાછું ધીમે ધીમે હતું તેવું થયું. બધા સ્નાયુઓમાં ખૂબ એટલે કે અતિશય દુખાવો થાય છે. આવું શાના લીધે થયું, શું કામ થયું તેની મને પોતાને જ કંઈ ખબર પડતી નથી. હવે હું ખૂબ જ કંટાળી ગયો છું. એટલે તો આજે જ મેં ઘરે સમાચાર મોકલ્યા. હવે સહન નથી થતું. પપ્પા-મમ્મી કાલે જ મને લેવા માટે ગાડી લઈને આવશે. પછી શહેરમાં કોઈ સારા ડોક્ટરને બતાવીશું…’
ત્યારે દામલ તો મહેશનું આવું કહેવું સાંભળી ખરેખર છંછેડાઈ ગયો. આવો જુવાન છોકરો જે કૂદતો ને ઠેકડા મારતો ને ઝડપી ચાલ ચાલતો જ જોવા મળે તેની વળી આવી લાચાર દશા…? આવું વિચારતાં વિચારતાં તેની નજર શાંતુ પર સ્થિર થઈ. એ ઘડી શાંતુની આંખમાંથી આંસુ નીકળતાં દામલે જોયાં. આમ પોતાની પÂત્નને આંસુ સાર્તી જોઈ દામલને સાચે જ એક મોટો આંચકો લાગ્યો. તેને મનોમન થયું કે, એક અન્ય જ્ઞાતિના જુવાન છોકરા પ્રત્યે આટલી બધી કોમળ લાગણી…? ને લાગણીમાં આટલાં બધાં આંસુ પણ વહી શકે ખરા…?
‘તારાં મમ્મી-પપ્પા કાલે જ આવવાના છે…?’ દામલે પૂછ્યું.
‘હા… સર! તમે પણ અહીં હતા નહીં એટલે પછી મારે શું કરવું…?’
‘સારું…, ભલે આવે. સારા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવવું જ પડે. વહેલી સારવાર કરવાથી બધું સારું થઈ જાય છે. વધારે સમય આવા રોગમાં માથું મારીને બેસી ન રહેવાય.’
(ક્રમશઃ)













































