એક મોટા થેલામાં કપડાં વગેરે જેમ-તેમ લઈને દામલ અને શાંતુ ગાડીમાં ગોઠવાયાં. ડ્રાઈવરની સીટ પર સરપંચ ગોઠવાયા. ગાડી ચાલુ થઈ અને ધીમે ધીમે ચાલવા પણ લાગી. કમળાપુરમાં દામલના ઘરથી થોડે છેટે ક્વાટ ઊભી રાખી સરપંચે સાવ ધીરેથી દામલને કહ્યુંઃ “હવે તમારે બંનેને ખૂબ જ હિંમત રાખીને ઘરે પહોંચવાનું છે, બરાબર…”
દામલએ જોયું તો તેના ઘરના દરવાજા પાસે ઘણાબધા માણસો એકત્ર થયેલા હતા, માનો કે એક મોટું ટોળું જ. એટલે દામલને મનમાં જે શંકા હતી તે સાચી હોય શકે. બા… કદાચ…
તો પણ શાંતુની સાથે દામલ ધીમે ધીમે ચાલતો ઘરના દરવાજા પાસે પહોંચતાં જ ઊભી થયેલી પરિસ્થિતિને પામી જતાં હવે તે સાવ જ પડી ભાંગ્યો. એનું હૈયું હાથમાં ન રહ્યું. પછી તો આપ મેળે જ અંદર દાખલ થતાંની સાથે તેની આંખોમાંથી એકધારા આંસુ વહેવા લાગ્યાં.
બા…ની પવિત્ર એવી કાયા તો એમ જ હસતું વદન રાખી સુનમૂન સૂતી હતી. ને દામલ તો સાવ ઢગલો થઈને બાને વળગી પડી રડવા જ લાગ્યો. શાંતુ પણ ખૂબ ખૂબ રડી. છાનાં છાનાં હુસકાં ભરતાં ભરતાં દામલ હવે બા…ના નિશ્ચેત દેહને નજર સામે રાખી… એકટશે જોઈ જ રહ્યો. તેના મગજમાં અસંખ્ય વિચારો આવવા લાગ્યા.
પ્રારબ્ધના આધારે શરીરનાં નવ દ્વારમાંથી કોઈપણ એક દ્વારના માર્ગમાંથી પ્રાણ એટલે કે ધ્રુવ સૂક્ષ્મ શરીર સાથે બહાર નીકળીને અનંતમાં ચાલ્યો જાય છે. જેવો ધ્રુવ શરીરમાંથી બહાર નીકળે એ સમયે ત્યાં પડી રહેલી કાયા કહેતા એ શરીરને મૃત કહેવાય છે. એ માનવ શરીરને ફક્ત શબ કહેવાય છે.
બા…નો પવિત્ર આત્મા આ શરીર છોડીને ચાલ્યો ગયો છે. હવે તેમનું સ્થૂળ શરીર એમ ને એમ પડ્‌યું રહ્યું છે. બા…ની દૈહિક રચના એવી હતી કે, જીવ ભલે ચાલ્યો ગયો હોય તો પણ એમ લાગતું કે… હમણાં જ તેઓ કંઈક બોલશે, પરંતુ આ સત્ય ન હતું. સત્ય એ હતું કે બા… મૃત્યુ પામ્યાં છે.
આમેય તે માનવ શરીર નશ્વર હોવાથી તેનું અસ્તિત્વ, તેનો જન્મ, તેની વૃધ્ધિ, તેનો ક્ષય અને છેલ્લે પરિણામ એટલે કે નાશ જરૂરને જરૂર થાય જ છે. નાશ થતાં જ આ મૃત્યુ પામેલ સ્વજનના નામ આગળ સ્વ. શબ્દ જોડાઈ જાય છે.
હિંદુઓના જન્મથી મૃત્યુ પર્યંપ્ત સોળ સંસ્કારોમાંનો એક સંસ્કાર એટલે અંતિમ સંસ્કાર છે. તેમાં મૃતદેહને વિધિ પ્રમાણે અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. વળી આમાં અસ્થિ વિસર્જનનો પણ સમાવેશ થાય છે.
આ ધરતી પર અગણિત માનવ જાતિમાં મૃત્યુ વિશેની માન્યતા અને રૂઢિઓ અકળ રીતે પ્રવર્તતી જોવા મળે છે. મૃત્યુ પામેલ માનવ શરીર એટલે કે શબના નિકાલ અને અનેક પરંપરાઓ પાછળ માનસિક અને સામાજિક સંદર્ભો પણ રહેલા હોય છે.
સાવ અંગત કુટુંબીજનો અને આપ્તજનો મૃત્યુ પામનાર વ્યક્તિના વિયોગનો ઊંડો આઘાત અનુભવે છે. પરંતુ મૃત્યુ તો એક અનિવાર્ય ઘટના જ છે. તેથી તો આ લોકથી પરલોકની યાત્રામાં જીવને સ્પષ્ટ રીતે મુક્તિ મળે તેવી ભાવનાથી સંયેષ્ઠી એટલે કે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
અંગત સ્વજનો અને આસપાસ રહેતી બહેનો સાથે રહીને ઈશ્વરનું નામ સ્મરણ કરતાં કરતાં શાંતિથી બા…ના શરીરને સ્નાન કરાવવાના કામે લાગી ગઈ. બાના મૃતદેહને વ્યવસ્થિત રીતે કોરાં વસ્ત્રોમાં લપેટાયો. જમીન પર ગાયના છાણનું લીંપણ કર્યા પછી ત્યાં બા ના શબને સુવાડવામાં આવ્યું. આમ આ રીતે રોકાણનું કામ પૂરું થયું. ઉત્તર દિશામાં બા ના માથા પાસે દીવો મુકાયો. અંતે રડતાં રડતાં બધાએ બાને પરિક્રમા કરી.
નનામીમાં શબને વ્યવસ્થિત રીતે સુવાડવામાં આવ્યું. શબ પર ધાણી, શ્રીફળ, પુષ્પો વગેરે મુકાયાં. ને દામલ નનામીને ખાંધ આપી. પછી તો ‘રામ બોલો ભાઈ રામ…’ ના નાદ સાથે સ્મશાન યાત્રા નીકળી. આજની આ સ્મશાન યાત્રામાં બહોળી સંખ્યામાં માનવ સમુદાય જોડાયો હતો.
આમ સ્મશાન યાત્રાનો અંતિમ મુકામ સ્મશાનમાં પૂરો થયો. લાકડાની પથારી પર બા…ના મૃતદેહને ગોઠવાયો. બા…ના શબને ઉત્તર દિશા તરફ મસ્તક રહે તે રીતે રાખવામાં આવ્યું. અને પછી ઘરેથી લાવેલા હોળીમાંના અગ્નિને પૂળા સાથે વધુ સળગાવીને દામોએ પરિક્રમા કરવાનું કાર્ય પૂર્ણ કર્યું. ને છેલ્લે બા ના દેહને અગ્નિદાહ આપ્યો… ત્યારે દામલનું રુદન અત્યંત કરુણ બન્યું હતું. તેણે હૈયાફાટ રુદન કર્યું. છેલ્લે… સરપંચ તથા મિત્રો અને પડોશીઓએ દામોને આશ્વાસન આપી માંડ માંડ શાંત પાડ્‌યો.
(ક્રમશઃ)