(૧)મોબાઈલ હાથમાંથી મૂકવાનો કોઈ ઉપાય?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
હા સામે રાખીને જોઈ શકાય એવા સ્ટેન્ડ બજારમાં મળે છે.
(૨)એકનું એક ખાઇ ને કંટાળી ગયો છું. હવે શું કરવું?
જયંતિભાઇ ઉકાભાઈ (દેવળીયા)
બેનું બે ખાઓ.
(૩)ગેસ લીકેજની તરત ખબર પડે એટલે તેમાં ખરાબ ગંધનુ દ્રવ્ય મિક્સ કરવામાં આવે છે; સારી ફ્લેવર મિક્સ કરે તો ?
કનુભાઈ પરમાર (દામનગર)
તો સ્ત્રીઓ રાંધે ઓછું ને સુંઘે વધુ.
(૪)તમને તબલા પેટી વગાડતા આવડે છે ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
પેટીના તબલા વગાડતા આવડે છે..
(૫) સાહેબ..! સમાજ એટલે શું..?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
નિશાળમાં ભણાવાતું એક પાઠયપુસ્તક જેનું આખું નામ સમાજવિદ્યા છે, એને ટૂંકમાં વિદ્યાર્થીઓ ’સમાજ’ કહે છે.
(૬)સાહેબ! સો મણનો સવાલ એટલે શું?
ધોરાજીયા ઘનશ્યામ એન (સાજણટીંબા)
તમારો સવાલ સો મણનો જ છે. વાંચી જુઓ.
(૭)માણસને સૌથી વધારે શિખ કોણ આપે?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
ડાક્ટર.. આમ કરજો ને આમ તો ન જ કરતાં!
(૮)સંબંધો ખાટા થઈ જાય તે પહેલાં કેવા સ્વાદના હોય છે?
પંકજ ચૌહાણ (વીરનગર)
ખાટામીઠા! બાય ધ વે, કોઈક સાથે ખાટા થયા લાગે છે(આ તો ખાલી પૂછું છું)!
(૯)જો રડવાથી દુઃખ ઓછું થઈ શકતું હોય તો હસવાથી સુખ બેવડાતું કેમ નથી?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
બેવડાય જ છે, એટલે તો આપણે કહીએ છીએ કે હસીહસી ને બેવડ વળી ગયા!
(૧૦)હું ગળ્યું ખાઉં તો પણ ખાટા ઓડકાર આવે છે એનું કારણ શું હશે?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
તમારી અંદર લીંબુડી ઊગી હશે!
(૧૧)પગમાં જોડો તો માથામાં?
રમાબેન પટેલ (અમદાવાદ)
ખોડો.
(૧૨)એકલા એકલા દરિયે જઈ ને શું કરવું?
દર્શન પટેલ (વડોદરા)
સેલ્ફી લેવી.
(૧૩)કભી અલવિદા ના કહેના તો જાય એને શું કહેવું?
ટાટા.. બાય બાય.. આવજો..!
(૧૪)નિવૃત્તિ પછી મળતા મફતના સમયમાં માણસ સૌથી મોટો કયો ‘કોર્સ’ કરે છે?
જે. એ. ગોહેલ (અમરેલી)
ડિપ્લોમા ઇન ટાઇમપાસ!
(૧૫)હાસ્ય કવિ અને સામાન્ય કવિમાં તમને શું ફરક લાગે છે? બાલુભાઈ કિકાણી (લીલિયા)
હાસ્યકવિની કવિતા રડવું આવી જાય એવી હોય છે અને સામાન્ય કવિની કવિતા હસવું આવી જાય એવી.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો.








































