કેટલી બધી ફિલ્મો એવી આવી કે જેમાં પ્રસન્ન દામ્પત્યની ઝલક હોય. ભારતીય સિનેમાએ અનેક આદર્શ અને સંઘર્ષમય યુગલોના ચરિત્રો બતાવ્યા છે. ફિલ્મો અને એના કથાનકની ચર્ચા કરો તો વરસોના વરસ લાગે…! પરંતુ દરેક ફિલ્મમાં પ્રેમની મીઠી મધુર ક્ષણોને ચિત્રાંકિત કરવામાં આવી હોય છે. સાહિત્યમાં પણ દંપતીના પારસ્પરિક સ્નેહની અભિવ્યક્તિમાં કવિઓ અને લેખકો જમાવટ કરે છે. વિખ્યાત હિન્દી નવલકથાકાર ગુલશન નંદા તો રોમેન્ટિક કથાનકોના મહાન સર્જક હતા. એમની પોકેટ બુક નવલકથાઓનો વિક્રમ આજ સુધી તૂટ્યો નથી. એમની નવલકથાની પાંચ – પાંચ લાખ નકલો છપાતી ને આખા હિન્દુસ્તાનમાં ફેલાઈ જતી.
એમની લોકપ્રિયતાનું પ્રમુખ કારણ એ છે કે માનવ સંબંધોમાં તેઓ પતિ-પત્નીના સંબંધને સર્વોચ્ચ માનતા અને એનું આલેખન ખૂબ નિંરાતે વિસ્તારપૂર્વક કરતા. ભારતીય વાંચકો ભારે જિજ્ઞાસાથી અને ઉજાગરા કરીને એ કથાઓ વાંચતા. માત્ર ગુલશન નંદા જ નહિ અનેક પ્રાચીન કથાઓ અને અર્વાચીન વાર્તાઓમાં દામ્પત્યને વિશિષ્ટ રીતે આલેખવામાં આવે છે. પરંતુ શું વાસ્તવિક જીવનમાં એમ હોય છે ? પતિ અને પત્નીની વાતોમાંથી જ ભવિષ્ય ઘડાતું હોય છે. બે પંખીનો એ વાતમેળો જો જામે નહિ તો પછી એમની વચ્ચે વૈચારિક ભેદની શરૂઆત થાય છે. એક વાત તો સ્પષ્ટ છે કે દરેક વ્યક્તિનું પોતાનું એક આગવું વિશ્વ હોય છે. કંઈ ચારીના ચાર ફેરા ફરવાથી રાતોરાત એ એક થઈ જતું નથી. થાય છે પણ એમાં સમય લાગે છે.
એક એફએમ રેડિયો ચેનલે દસેક દંપતીઓને એના સ્ટુડિયોમાં બોલાવ્યા હતા. દરેક પતિ-પત્ની વચ્ચે કાચની દીવાલ હતી. તેમણે પ્રશ્નો પૂછ્યા. બોલો તમારા પત્નીને ક્યો રંગ વધારે ગમે છે ? પતિએ કહ્યું કે ગુલાબી. એમના પત્નીને પૂછ્યું તો કહે કે જાંબલી. પત્નીને પૂછ્યું કે તમારા પતિને સૌથી વધુ શું ભાવે ? પત્નીએ જવાબ આપ્યો કે ગુલાબજાંબુ. પતિદેવને પૂછ્યું તો કહે કે મને તો દૂધપાક વધુ ભાવે. આવા બીજા પણ પ્રશ્નો પૂછ્યા. બધા જવાબ ખોટા ન હતા, કેટલાક સાચા પણ હતા. પરંતુ આ કાર્યક્રમે એ બતાવ્યું કે દરેક પરણિત વ્યક્તિનું પોતાના જીવનસાથી અંગે પણ ઘણું અજ્ઞાન હોય છે. આ અજ્ઞાન હકીકતે તો બન્ને વચ્ચેનું અંતર બતાવે છે. જિંદગીમાં ક્યારેક આ અંતર વધી જાય છે. જેને બુધ્ધિજીવી કહેવાય છે એવા સામાજિક પ્રાણીઓમાં તો આ અંતર વધતા વાર જ લાગતી નથી.
કોઈ પણ કામ વિના રજાનો દિવસ સાથે પસાર કરવો અને આનંદમાં રહેવું કે પાર વિનાની વાતો કરવી એ નવયુગલ માટે સહજ હોય છે. પરંતુ સંતાનોના જન્મ પછી સંપૂર્ણ સ્થિર અને પ્રતિષ્ઠાપિત થઈ ગયેલા દામ્પત્યમાં પણ નિયમિત રીતે સમય મેળવીને પતિ-પત્ની જો ગોઠડી કરતા રહે તો એ સ્વર્ગ જ છે. સર્વેક્ષણો બતાવે છે કે લગ્નના થોડાક જ વરસ પછી પતિ-પત્ની બાળકોના સંદર્ભમાં જ વાત કરતા હોય છે. તેઓ એકબીજાના સંદર્ભમાં વાત કરતા નથી. ક્રમશઃ સંતાનો મોટા થાય છે. સંતાનોની આડશમાં કેટલીક ગૃહિણીઓ ઘરમાં અઘરા પ્રશ્નો રજૂ કરે છે જે પતિદેવને સંકટમાં મૂકે છે. આગળ જતાં એ જ સંતાનોની મદદથી ગૃહિણી એવા સંયોગો ઊભા કરે છે કે ઘરમાં ગૃહસ્થે અપમાનજનક સ્થિતિમાંથી પસાર થવાનું રહે છે.
જે ઘરમાં પિતા-પુત્ર વચ્ચે સકારાત્મક સંબંધ હોય, સ્નેહ હોય અને એકબીજા પ્રત્યે સન્માન હોય તો એ ઘરની ગૃહિણી વંદનીય છે. કારણ કે એ તો સ્ત્રીની જ કમાલ હોય છે જે પોતાના ઘરમાં ધમાલ થવા તરફ વહાણને હંકારતી નથી. ઓફિસ કે ઉદ્યોગનું સુકાન પુરુષના હાથમાં ભલે હોય, ઘરનું સુકાન સ્ત્રીઓના હાથમાં જ હોય છે. આપણો સમાજ બહારથી ભલે પુરુષપ્રધાન સમાજ કહેવાતો હોય, ઘરની શાંતિ કે અશાંતિના કેન્દ્રમાં તો સ્ત્રી જ હોય છે.








































