રાજકોટ રેન્જ હેઠળ આવતા ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રેન્જ આઈજી નિર્લિપ્તરાય દ્વારા તમામ જિલ્લા પોલીસ વડાઓ પાસેથી ડી સ્ટાફના કર્મચારીઓનો વિગતવાર રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. તેમાં કર્મચારીનું નામ, મૂળ વતન, હાલનું સરનામું અને કેટલા સમયથી ડી સ્ટાફમાં ફરજ બજાવે છે તેની માહિતી માંગવામાં આવી છે. ઉપરાંત તેમના સગા-સંબંધીઓમાં કોઈ ગુનેગાર, હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં, હોય તો તેનું નામ અને કર્મચારી સાથેનો સંબંધ પણ જણાવવાનો રહેશે. કાયદા વિરુધ્ધ કામગીરી કરતા પોલીસ કર્મચારીઓ સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ માહિતીના આધારે આગામી દિવસોમાં ડી સ્ટાફમાં સ્વચ્છ છબી અને લાયકાત ધરાવતા કર્મચારીઓની નિમણૂક કરી તેમની કામગીરી વધુ જવાબદારીપૂર્વક કરવાની દિશામાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે.







































