જાફરાબાદના સામા કાંઠા વિસ્તારમાં મોડી રાત્રે પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર (ટીસી)ના બોક્સ નંબર-૨માં અચાનક ભીષણ આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ટીસીમાં આગ લાગતાં બોક્સ નંબર-૨ સાથે જોડાયેલા સમગ્ર સામા કાંઠા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને રાત્રિના સમયે અંધારપટ છવાઈ જતાં સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો હતો. સ્થાનિક આગેવાન ધર્મેશભાઈ બારૈયાના જણાવ્યા મુજબ, ટીસીમાં આગ લાગ્યા બાદ વીજળી ગુલ થઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક વીજ વિભાગમાં રાત્રિના સમયે લાંબા સમયથી સ્ટાફની અછત હોવાથી કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કામગીરી કરવામાં મુશ્કેલી પડે છે. મોડી રાત્રે વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. રહીશોએ પીજીવીસીએલ તંત્ર દ્વારા સ્ટાફની અછત તાત્કાલિક દૂર કરી યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.