ઢાઈ અક્ષર પ્રેમ કે.. આ શબ્દ નથી પરંતુ આત્માની અંદર લાગણીના પ્રાણવાયુ જીવંત રાખવાનું કાર્ય કરે છે. પ્રેમ પરમાત્માનું રૂપ છે. પ્રેમ સમર્પણ અને ત્યાગનું વિશિષ્ટ સ્વરૂપ છે. પ્રેમ તો નિજાનંદ જેવો હોવો જોઈએ.પ્રીત લગાવવાથી લાગતી નથી તેના માટે આત્માની અંદર ભાવાત્મક પ્રેમ અંકુર થાય ત્યારે એક હૃદય બીજા હૃદય સુધી પહોંચી જાય છે. પ્રેમએ સંવેદના અને વેદનાની સમજણ છે.કૃષ્ણનો રાધા પરત્વેનો પ્રેમ અતુલ્ય છે. રાધાને પણ વાંસળીની ઈર્ષ્યા આવે છે. હું આટલો પ્રેમ મારા કાનાને કરું છું, છતાં સૌથી વધારે તેના હોઠે વાસળી રહેતી હોય છે.મીરા મોહનમાં ભળી ગઈ ત્યારે તેનો સાક્ષાત્કાર થયો. પ્રેમ અર્પણ, સમર્પણ અને તર્પણનું કામ કરે છે. પ્રેમ ત્યાગનું સ્વરૂપ છે. પ્રેમમાં મેળવવા કરતા આપવામાં આનંદ છે. લવ, લાગણી અને લગાવ આ ત્રણનો ત્રિવેણી સંગમ હૃદયમાં મોજાના સ્વરૂપે વ્યક્ત થાય ત્યારે તે પ્રેમ ટોચ ઉપર હોય છે. દેવી પાર્વતીનો પ્રેમ મહાદેવના હૃદયને હચમચાવે છે. તેઓ જ પ્રેમ હોય ને ત્યારે જ બે જીવ એક થાય.
એક દિલથી બીજા દિલ સુધી પહોંચવું ખૂબ અઘરું છે, પણ કઠિન નથી. અપેક્ષા વગરનો પ્રેમ જ્યારે વાસ્તવિક સ્વરૂપ ધારણ કરે તે સમયે બે દિલોના વ્યક્તિઓ પોતાના હોવાનો ભાવ સમર્પિત કરે છે. પરિવારમાં પ્રેમ, મિત્રમાં પ્રેમ અને બે પ્રેમી પંખીડાઓનો પ્રેમ સાચો હોય તો સિંહાસન સુધી પહોંચે છે. પ્રેમ કરવા માટે પરમાત્માની પરમિશન અને સાચી ભાવના હોવી જોઈએ. પ્રેમ કોઈ બજારુ કે ટાઇમપાસ નથી. આત્માને ઓળખવાનો તેમજ એક જીવને બીજા જીવમાં રૂપાંતર કરવાનો અવસર છે. દેશના શહીદો માતૃભૂમિને પ્રેમ કરતા હતા તેના જ કારણે તેઓ આજે અમર છે.
પ્રેમએ માનવ જીવનનું સૌથી સુંદર અને અર્થસભર ભાવ છે. તે માત્ર એક લાગણી નથી, પણ સમગ્ર સૃષ્ટિને બાંધી રાખતી એક અદશ્ય શક્તિ છે. જીવનમાં પ્રેમનું મૂલ્ય અને મહત્વ હોવું જોઈએ.પ્રેમ જીવનનો આધાર અને પ્રેરણા છે જે વ્યક્તિના જીવનમાં ખુશી અને સંતોષ લાવે છે.તે આપણને મુશ્કેલ સમયમાં પણ જીવવાની અને આગળ વધવાની પ્રેરણા આપે છે.પરિવાર, મિત્રો અને સ્વજનનો સાથ આપણને માનસિક મજબૂતાઈ પૂરી પાડે છે.પ્રેમમાં સંબંધોની મજબૂતાઈ અને વિશ્વાસથી
સંબંધની ઈમારત ટકેલી હોય છે. જ્યાં પ્રેમ હોય ત્યાં પરસ્પર આદર, વિશ્વાસ અને સમર્પણની ભાવના કુદરતી રીતે વિકસે છે.પ્રેમ ગેરસમજોને દૂર કરીને સંબંધોમાં મધુરતા જાળવી રાખે છે.
માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પ્રેમ એક અવલોકિક સ્વરૂપ છે.વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક દષ્ટિએ પણ પ્રેમ અને સ્નેહપૂર્ણ વાતાવરણ વ્યક્તિના તણાવ (Stress) ને ઘટાડે છે.પ્રિયજનો સાથેનો ભાવનાત્મક લગાવ હૃદયને સ્વસ્થ રાખે છે અને જીવનની ગુણવત્તા સુધારે છે. નિઃસ્વાર્થભાવ અને પરોપકારથી પ્રેમ વ્યક્ત થઈ શકે છે. સાચો પ્રેમ ક્યારેય સ્વાર્થી હોતો નથી. તે આપણને બીજાની ખુશીમાં ખુશ થતા શીખવે છે.પ્રેમમાંથી જ દયા, ક્ષમા, સહાનુભૂતિ અને સેવા જેવા માનવીય ગુણોનો જન્મ થાય છે, જે સમાજમાં એકતા અને શાંતિ સ્થાપે છે.
આ દુનિયાની સામાજિક સમરસતા અને આટીગુટીમાં ફસાયેલો માણસ જ્યારે પ્રેમના બંધન અને લાગણીઓના પ્રવાહમાં જોડાય છે ત્યારે તેને સાચી અનુભૂતિ અનુભવાય છે. માગવાથી જે મળે છે તેમાં જે આનંદ હોવો જોઈએ તે હોતો નથી. પ્રેમ તો બે જીવોનું બ્રહ્માંડ છે. આજે જે ભૌતિક યુગમાં પ્રેમાલાપ થાય છે તે માત્ર ટાઈમપાસ છે. જે વ્યક્તિ તમને પસંદ કરે છે એ માત્ર રૂપ, સ્વરૂપ કે બાહ્ય દેહ જોઈને પ્રેમ કરતો નથી. આત્માનું મિલન ત્યારે જ થાય જ્યારે એક જીવ બીજા જીવને સમજવાની કોશિશ કરે એટલે તો કહેવાય છે કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. બંજર જમીનમાં નાનું બીજ જ્યારે તેને પાણી, હવા અને હૂંફ મળે છે ત્યારે તેનું અંકુર ફૂટ્યા વગર રહેતું નથી. તેમ તમે સાચા હૃદય અને ભાવથી તેને પસંદ કરતા હોય તેજ એક દિવસ તમારા ચરણમાં હશે.
પરિવારનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ, પ્રેમી અને પ્રિયતમાનો પ્રેમ અનેક હૃદયને શાંતિવન અર્પણ કરે છે. ડો. ઉષાબેન ભટ્ટ હંમેશા એવું કહેતા હતા કે સમજણમાં સુખ છે.એકબીજાને સમજવું એ જ સાચો પ્રેમ છે. કાજલ ઓઝાના શબ્દોમાં કહીએ તો સાચો પ્રેમ સમજણમાં રહેલો છે. મેળવવા કરતા આપવામાં જે આનંદ છે તે વૃંદાવનની પ્રતીતિ કરાવે છે. મુજમાં તું જ છે. આ ભાવ આત્માના મિલનનો પ્રવેશ માર્ગ છે. હૃદયની ઉર્મીઓ જ્યારે પ્રેમના સ્પંદનમાં જોડાય ત્યારે બ્રહ્માંડમાં પોકાર થાય છે. ત્યાગ, સમર્પણ અને અર્પણ એ જ પ્રેમની પારાશીશી છે.
પ્રેમએ કોઈ શરતો કે મર્યાદાઓનો મોતાજ નથી. તે તો એક વહેતી સરિતા છે જે દરેકના જીવનને હરિયાળું અને સુંદર બનાવે છે.પ્રેમ માત્ર બે પ્રેમી પંખીડા માટેનો નથી તેનું સ્વરૂપ તો વિશ્વ ફલક સુધી છે. પારિવારિક ભાવના, મૈત્રીતાનું પવિત્ર ઝરણું અને જેને તમે પસંદ કરતા હો તેના પરત્વેનો પ્રેમ કઠોળ હૃદયને કોમળ બનાવે છે. મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ નાટકમાં શકુંતલા અને દુષ્યંતના પ્રેમ અને પ્રણયને વૈદર્ભિ શૈલીમાં વર્ણન કર્યું છે. તે અદભુત અને અનન્ય છે. પ્રથમ દ્રષ્ટિએ થયેલો પ્રેમએ આત્માની અંદર પડેલું સૂરજનું કિરણ છે. જ્યાં પ્રેમમાં નિરંતર ઉજાસ જોવા મળે છે.









































