બાબરા તાલુકાના નાની કુંડળ ગામે બાબરા પોલીસ સ્ટેશન દ્વારા ગ્રામ પંચાયતના સહયોગથી લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અને પ્રજા વચ્ચેનો સંવાદ વધુ મજબૂત બને તેમજ ગામમાં સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં બાબરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ડાંગર, હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ પરમાર તથા કોન્સ્ટેબલ રાજુભાઈ ભૂકણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બાબરા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન માધવભાઈ કટારીયા, સરપંચ વિનોદભાઈ તલાવડીયા, ઉપસરપંચ અશ્વિનભાઈ સોલંકી, ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ વધતા જતા સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા જરૂરી કાનૂની સૂચનો આપવામાં આવ્યા હતા.