જ્યારે પણ સિનેમાના પડદા પર ‘રોમાંસ’ શબ્દ સંભળાય, ત્યારે આપણા ગુજરાતીઓના મગજમાં પહેલો વિચાર મલ્ટિપ્લેક્સના ખૂણાની સીટ, મોંઘા પોપકોર્ન અને પડદા પર હીરો-હીરોઈનનું ગીતો ગાતાં-ગાતાં ઝાડ ફરતે ગોળ-ગોળ ફરવું જ આવે! પરંતુ આગામી ૨૫ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલી હોલીવુડ ફિલ્મ ‘હાર્ટ ઓફ ધ બીસ્ટ’(Heart of the Beast) પ્રેમની વ્યાખ્યાને થોડી ‘ઠંડી’ અને વધુ પવિત્ર કરવા આવી રહી છે. આ ફિલ્મ આપણને અંગ્રેજી સાહિત્યના ‘એજ ઓફ રોમેન્ટિસિઝમ’ (Age of Romanticism) ની યાદ અપાવે છે, જ્યાં રોમાંસ માટે કોઈ સુંદરીના આકર્ષણની નહીં, પણ
પ્રકૃતિની ગોદ અને જીવમાત્ર વચ્ચેના અતૂટ જોડાણની જરૂર પડતી હતી. એટલે આ મૂવીમાં બ્રેડ પિટ કોઈ પ્રેમિકા સાથે નહીં, પણ અલાસ્કાના માઈનસ ડીગ્રી તાપમાનવાળા ભયાનક બરફીલા જંગલમાં એક જર્મન શેફર્ડ કૂતરા (Combat Dog) સાથે ઇશ્ક… સોરી, વફાદારી લડાવતો જોવા મળશે!
અત્યાર સુધી આપણે રૂપેરી પડદા પર શ્વાન-પ્રેમની અનેક સુપરહિટ ફિલ્મો જોઈને થિયેટરમાં રૂમાલ ભીના કર્યા છે. હોલીવુડમાં લાગણીઓનો ધોધ વહાવનારી A Dog’s Tale, Marley & Me, Eight Below, A Dog’s Purpose, The Call of the Wild, Togo, Benji અને Turner & Hooch જેવી ફિલ્મો હોય, કે પછી બોલીવુડમાં રડાવી દેનારી તેરી મહેરબાનીયાં (જેનો પેલો કૂતરો ‘મોતી’ આજેય અમર છે!), સલમાન ખાનની હમ આપકે હૈ કૌન નો અમ્પાયર બનેલો ‘ટફી’, એન્ટરટેઈનમેન્ટ, ચિલ્લર પાર્ટી, દિલ ધડકને દો નો ફિલોસોફર પ્લુટો, કે પછી સાઉથની ઈમોશનલ સફર ૭૭૭ Charlie અને આપણા ઢોલીવુડની મજેદાર ફાઈવ વ્હાટસએપ ગ્રુપ કે લવની ભવાઈ નો ક્યૂટ કૂતરો હોય—આ બધી જ ફિલ્મોમાં આપણે માણસ અને પ્રાણીના અદ્ભુત સંબંધો જોયા છે. પરંતુ, ‘હાર્ટ ઓફ ધ બીસ્ટ’ આ બધાથી એક ડગલું આગળ છે! અહીં કોઈ સોફ્‌ટ ઈમોશનલ ડ્રામા નથી, પણ અસ્તિત્વ ટકાવી રાખવા માટે સૈનિક અને શ્વાન વચ્ચેનો પાવરફુલ રોમાંસ છે.
આ ભવ્ય એડવેન્ચરના ડાયરેક્ટર ડેવિડ આયર (જેઓ અગાઉ Fury અને Suicide Squad જેવી અસલી એક્શન ફિલ્મોથી ધમાકો કરી ચૂક્યા છે) એ પોતાના એક ઇન્ટરવ્યુમાં સાહિત્યિક રોમેન્ટિસિઝમને સપોર્ટ કરતો એક જબરદસ્ત ક્વોટ આપ્યો હતો. તેમણે કહ્યું, ‘આ ફિલ્મમાં સંવાદો (Suicide Squad) બહુ ઓછા છે. વાર્તા માણસ, પ્રાણી અને પ્રકૃતિના મૌન સંવાદો અને એકબીજા પ્રત્યેના સમર્પણ પર ચાલે છે.’ એટલે કે અહીં ડાયલોગબાજી વગર કેમેરાના એન્ગલ અને કૂતરાની આંખો જ બધું બોલી જશે, જેનું શૂટિંગ ગ્રીન સ્ક્રીન પાછળ નહીં પણ અલાસ્કાના અસલી બરફમાં થીજી જઈને કરવામાં આવ્યું છે.
મુખ્ય ભૂમિકામાં હોલીવુડના મોસ્ટ હેન્ડસમ મેન બ્રેડ પિટ (જેમણે અગાઉ Fight Club અને Once Upon a Time in Hollywood જેવી ફિલ્મોથી ધૂમ મચાવી છે) છે, જેમણે કૂતરા સાથે કેમિસ્ટ્રી બેસાડવા શૂટિંગ પહેલાં પૂરા ૩ મહિના તેની સાથે ગાળ્યા હતા. ફિલ્મનું પ્રોડક્શન તેમની પોતાની કંપની ‘Plan B’ અને ‘Amazon MGM’ એ કર્યું છે અને ઓસ્કાર વિજેતા સ્ટીવન પ્રાઈસ (ફિલ્મ Gravity ફેમ) નું મ્યુઝિક કુદરતના સન્નાટામાં રૂંવાડા ઉભા કરી દે તેવું છે.
વિશ્વના ખૂણે-ખૂણે વસતા ગરવી ગુજરાતીઓ માટે છેલ્લે એટલું જ કહેવાનું કે—જો તમે થિયેટરમાં બોરિંગ હીરો-હીરોઈનની નકલી લવ સ્ટોરીઓ જોઈને કંટાળ્યા હોવ અને તમારા ઘરે પાળેલા ‘ટોમી’ કે ‘શેરુ’ પ્રત્યેનો પ્રેમ અચાનક ઉભરાઈ આવ્યો હોય, તો ૨૫ સપ્ટેમ્બરે નજીકના સિનેમાહોલમાં પહોંચી જજો. બાકી અલાસ્કાના બરફમાં થીજી રહેલા બ્રેડ પિટ અને તેના કૂતરાને જોઈને, આપણે ડાયનિંગ ટેબલ પર ગરમાગરમ સુખડી ખાતા-ખાતા એટલું તો ચોક્કસ બોલી જ ઉઠીશું કે—‘વાહ પિટભાઈ વાહ, કૂતરો પાળ્યો તો અલાસ્કાનો, બાકી લવ સ્ટોરી તો દુનિયા આખી કરે છે!’