શહેરમાં ફરી મોટા વાહને ગંભીર અકસ્માત સર્જ્‌યો છે. જેમાં ૧૯ વર્ષની પ્રેરણા નિનામા નામની યુવતીનું ક્રેનની ટક્કરે મોત નીપજ્યું છે. શહેરના ગોતાની સિલ્વરઓક કોલેજ નજીક આ અકસ્માત સર્જાયો છે. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી છે. ક્રેનના ડ્રાઈવર ભાગવા જતાં તેનો પણ અકસ્માત થયો છે. હાલ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, અમદાવાદના ગોતામાં સિલ્વર ઓક કોલેજ પાસે યુવતી પર ક્રેન ચઢાવી દીધી હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાના કારણે યુવતીનું સ્થળ પર જ મોત થયું હતું. પ્રેરણા નિનામા નામની ૧૯ વર્ષની યુવતી સિલ્વર ઓક કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. બનાવને પગલે આસપાસના લોકો ભેગા થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી લીધી છે. આ ગંભીર અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો છે.
એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ એ.બી મોરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ અકસ્માતના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે. અક્સ્માત બાદ ચાલક ફરાર થયો હતો જેની અટકાયત કરવામાં આવી છે. આ અકસ્માતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સોમવારે પણ અમદાવાદમાં આવો જ એક અકસ્માત સર્જાયો છે. શહેરના એસ.પી. રિંગ રોડ નજીક આવેલા શેલા રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સગીરને પૂરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પોએ અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું છે. આ ઘટના શેલા વી.આઈ.પી. રોડ પર બની હતી. ટેમ્પોની જારદાર ટક્કર વાગતા સગીરને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, આરોપી ટેમ્પો ચાલકની અટકાયત કરવા બોપલ પોલીસે ફરિયાદ નોંઘીને તપાસ હાથ ધરી છે.