અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલી જય રણછોડ એન્ડ કુ. નામની આંગડિયા પેઢી ત્રણ સોની વેપારીઓના કુલ ૭૮.૫૨ ગ્રામ સોનાના દાગીના ભરેલા છ પાર્સલ લઈને ફરાર થઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર વેપારીઓએ ખાડિયા પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
માણેકચોકમાં શ્રીજી ઓર્નામેન્ટ નામની દુકાન ધરાવતા મૌલિકભાઈ હસમુખભાઈ સોનીએ પોતાના વેપારીઓને મોકલવા માટે જય રણછોડ એન્ડ કુ. આંગડિયા પેઢીમાં સોનાના દાગીનાના પાર્સલ જમા કરાવ્યા હતા. ગત ૨૩ જૂને ૧૦.૩૪૦ ગ્રામ અને ૨૭ જૂને ૧૭.૫૧૦ ગ્રામ સોનાના દાગીનાના પાર્સલ ભરૂચ મોકલવા માટે આપવામાં આવ્યા હતા, જેની કુલ કિંમત ૪,૩૬,૪૧૦ રૂપિયા હતી. સમયસર પાર્સલ ન પહોંચતા મૌલિકભાઈએ આંગડિયા પેઢીની માણેકચોક ઓફિસે તપાસ કરી હતી, જ્યાં ઓફિસ બંધ અને તાળાબંધ હાલતમાં જાવા મળી હતી. પેઢીના સંચાલકોનો સંપર્ક ન થતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
ફરીયાદી મૌલિકભાઈના મિત્ર મૈનાક મહાવિરકુમાર જૈને કાલોલ અને પાદરા મોકલવા માટે આપેલા બે પાર્સલ (કિંમત ૫,૪૫,૯૬૪ રૂપિયા) તેમજ રત્નદીપ ગોલ્ડના માલિક ભાવેશભાઈ ઘાંચીએ પાદરા મોકલવા માટે આપેલા બે પાર્સલ (કિંમત ૨,૨૦,૦૦૦ રૂપિયા) પણ વેપારીઓને મળ્યા નહોતા. આમ, ત્રણેય વેપારીઓના કુલ ૭૮.૫૨૦ ગ્રામ સોનાના દાગીના ભરેલા ૬ પાર્સલ, જેની કુલ કિંમત ૧૨,૦૨,૩૭૪ રૂપિયા થાય છે, તે સેરવીને આંગડિયા પેઢીના સંચાલકો ફરાર થઈ ગયા છે. ખાડિયા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.








































