અમરેલી શહેરમાં મોડી રાત્રે મારામારીની ઘટના સામે આવી છે, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી પર ધર્મકુમાર જાગૃતભાઈ જાષીપુરા નામના યુવક પર હુમલો કરવાનો આરોપ છે. પ્રાથમિક અહેવાલ મુજબ, હુમલામાં યુવકના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેને ૯ ટાંકા આવ્યા હતા. શરૂઆતમાં અમરેલીની હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના દૃશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના સાવરકુંડલા બાયપાસ રોડ પર આરટીઓ ઓફિસ નજીક આવેલી રાજચામુંડા પાનની દુકાન પાસે બની હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, ધર્મકુમાર જાષીપુરા મોડી રાત્રે માવો-મસાલો લેવા માટે ત્યાં ગયા હતા. તે સમયે સંદીપ ધાનાણી પણ ત્યાં હાજર હતા. કોઈ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો હતો.
આરોપ મુજબ, બોલાચાલી બાદ સંદીપ ધાનાણીએ નજીકના ચાના કાઉન્ટર પરથી કીટલી લઈને ધર્મકુમાર પર હુમલો કર્યો હતો. યુવકના માથાના ભાગે અનેક ઘા વાગતાં તેને ગંભીર ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને પરિવારજનો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. સારવાર દરમિયાન ઇજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યુવકને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. મારામારીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ફૂટેજના આધારે ઘટનાનો ચોક્કસ ક્રમ અને બંને પક્ષો વચ્ચે શું બન્યું હતું તે અંગે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદ અને તબીબી અહેવાલના આધારે અમરેલી પોલીસે સંદીપ ધાનાણી સામે મારામારી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. હુમલા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. સંદીપ ધાનાણી અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ છે. તેઓ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના પિતરાઈ ભાઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ઘટનાને કારણે અમરેલીમાં રાજકીય ચર્ચા પણ શરૂ થઈ છે. જાકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાની હકીકત પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ વધુ સ્પષ્ટ થશે.