ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના જ્યોલિકોટ વિસ્તારમાં દૂષિત પીવાના પાણીને કારણે બીમારી ફેલાવવા અને બે લોકોના મૃત્યુના સંદર્ભમાં છ એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની સૂચના પર જિલ્લા વહીવટીતંત્રના અહેવાલના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓ પર તેમની સત્તાવાર ફરજા નિભાવવામાં બેદરકારીનો આરોપ છે. થોડા મહિના પહેલા, મધ્યપ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી ઘણા લોકોના મોત થયા હતા.
સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં હલ્દવાની સ્થિત જળ સંસ્થાનના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર, નૈનિતાલ જળ સંસ્થાનના આસિસ્ટન્ટ એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને ભીમતાલમાં પીવાના પાણી નિગમના એક્ઝિકયુંટિવ એન્જિનિયર, ઇન્ચાર્જ આસિસ્ટન્ટ એન્જિનિયર અને જુનિયર એન્જિનિયરનો સમાવેશ થાય છે. નૈનિતાલ જળ સંસ્થાનના એક્ઝિકયુંટિવ એન્જિનિયરને પણ ચેતવણી આપવામાં આવી છે. સરકારે જણાવ્યું છે કે જા ભવિષ્યમાં કોઈ બેદરકારી જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
જ્યોલિકોટ અને આસપાસના ગામોમાં દૂષિત પીવાના પાણીના સપ્લાય બાદ મોટી સંખ્યામાં લોકો બીમાર પડ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બેલુવાખાન, જ્યોલિકોટ, ગેઠિયા, સદિયાતાલ, દુર્ગાપુર, ગાંજા, વીરભટ્ટી અને છીનાનો સમાવેશ થાય છે. કમળાના અનેક કેસ નોંધાયા છે.
આ ઘટનામાં ૧૬ વર્ષીય વિદ્યાર્થી અને ૨૬ વર્ષીય મહિલાના મૃત્યુથી વિસ્તારમાં ચિંતા વધી ગઈ છે. વહીવટીતંત્રે અસરગ્રસ્ત ગામોમાં રાહત અને આરોગ્ય સેવાઓમાં વધારો કર્યો. ક્લોરિન ગોળીઓ અને ઓઆરએસ વિતરણ કરવા માટે ઘરે ઘરે તબીબી ટીમો મોકલવામાં આવી હતી. અસરગ્રસ્ત વિસ્તારમાં આઠ ડોકટરો અને એક એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી હતી.
ઉત્તરાખંડ હાઈકોર્ટે પણ આ બાબતની નોંધ લીધી. ૮ સપ્ટેમ્બરના રોજ, કોર્ટે જ્યોલિકોટ અને આસપાસના ગામોમાં સ્વચ્છ પીવાનું પાણી અને પૂરતી તબીબી સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. પરિસ્થિતિને ‘મહામારી’ ગણાવતા, કોર્ટે નૈનિતાલના જિલ્લા મેજિસ્ટ્રેટ લલિત મોહન રૈયાલને રાહત કામગીરીનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
જનહિત અરજીની સુનાવણી દરમિયાન, નૈનિતાલના મુખ્ય તબીબી અધિકારી, ડો. રશ્મિ પંતે કોર્ટને જણાવ્યું હતું કે દૂષિત પાણી બીમારીઓનું કારણ છે. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે પીવાના પાણીનું પરીક્ષણ ફક્ત વિભાગીય સ્તરે નહીં, પરંતુ ખાનગી પ્રયોગશાળાઓ દ્વારા કરવામાં આવે.
હાઈકોર્ટે જલ સંસ્થાન અને પીવાના પાણી નિગમને ગટર અને પીવાના પાણીની પાઇપલાઇનો એકબીજાને છેદે નહીં તેની ખાતરી કરવાનો નિર્દેશ આપ્યો હતો. વધુમાં, કોર્ટે જલ સંસ્થાન અને પીવાના પાણી નિગમને નૈનિતાલ શહેરમાં પાણીના દૂષણ અને ગટરના લીકેજની તપાસ કરવા અને ૨૦ થી ૨૫ સ્થળોએથી પાણીના નમૂના એકત્રિત કરવાનો આદેશ આપ્યો.
કોર્ટે એવો પણ આદેશ આપ્યો કે જા સ્થાનિક સ્તરે પૂરતા નિષ્ણાત ડોકટરો ઉપલબ્ધ ન હોય, તો બહારના નિષ્ણાતોને બોલાવવા જોઈએ. તેણે સંબંધિત સચિવને કુમાઉ ક્ષેત્રમાં પાણી પરીક્ષણ પ્રયોગશાળા સ્થાપિત કરવાના પ્રસ્તાવ પર ઝડપી નિર્ણય લેવાનો પણ નિર્દેશ આપ્યો.









































