તિરુમલા તિરુપતિ દેવસ્થાનમના પ્રસિદ્ધ લાડુ પ્રસાદમ માટે સપ્લાય કરાયેલા ઘીમાં કથિત ભેળસેળના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ સુકૃતિ ફૂડ્‌સ પ્રાઇવેટ લિમિટેડના પ્રમોટર કૈલાશ ચંદ મંગલાની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. ઈડીની સત્તાવાર માહિતી મુજબ, મંગલાની ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પીએમએલએ ૨૦૦૨ની કલમ ૧૯ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેમને વિશાખાપટ્ટનમની વિશેષ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
ઈડીના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાન ટીટીડીને આશરે ૨૩૦ કરોડના ઘી સપ્લાય સાથે જાડાયેલી ગેરરીતિઓની તપાસ કરવામાં આવી રહી છે. એજન્સીનો આરોપ છે કે આ સપ્લાય ચેઇનમાં ભેળસેળવાળું ઘી અસલી એગમાર્ક સ્પેશિયલ ગ્રેડ ગાય ઘી તરીકે દર્શાવીને સપ્લાય કરવામાં આવ્યું હતું. ઈડીના તપાસ તારણ મુજબ, મંગલાની ફેક્ટરીમાં આશરે ૯૬ કરોડનું કથિત ભેળસેળવાળું ઘી તૈયાર કરવામાં આવ્યું હતું. આ મુદ્દે મની લોન્ડરિંગ સાથે જાડાયેલા નાણાકીય વ્યવહારો અને સપ્લાયની પ્રક્રિયાની તપાસ પણ કરવામાં આવી રહી છે.
ઈડીના જણાવ્યા મુજબ, કથિત ભેળસેળવાળું ઘી તૈયાર કરવા માટે રિફાઇન્ડ પામ ઓઈલ, પામોલિન, પામ કર્નલ ઓઈલ સહિત વિવિધ ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એજન્સીએ એમજી-૯૦, મોનોગલીસરાઇડ્‌સ, અને એસિટિક એસિડ એસ્ટર સહિતના અન્ય કેમિકલ ઘટકોનો પણ ઉલ્લેખ કર્યો છે. તપાસ એજન્સીનો આરોપ છે કે આ ઉત્પાદનને ગાયના શુદ્ધ ઘી તરીકે રજૂ કરીને ટીટીડી સુધી પહોંચાડવામાં આવ્યું હતું. કથિત સપ્લાયમાં ખોટા રેકોર્ડ અને દસ્તાવેજાનો ઉપયોગ થયો હતો કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
ઈડીની તપાસમાં સપ્લાય ચેઇન સાથે સંકળાયેલી કેટલીક અન્ય કંપનીઓની ભૂમિકા પણ સામે આવી હોવાનું એજન્સીનું કહેવું છે. તપાસ એજન્સી મુજબ, અલગ-અલગ ફ્રન્ટ કંપનીઓ મારફતે ઘીનું ઉત્પાદન અને સપ્લાય કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. એજન્સી હવે આ કંપનીઓ વચ્ચેના નાણાકીય વ્યવહારો, કથિત ખોટા રેકોર્ડ અને ભેળસેળવાળા ઘીના ઉત્પાદન-સપ્લાયના સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે.
આ કેસમાં ઈડી દ્વારા અગાઉ વિપિન જૈનની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ભોલે બાબા ઓર્ગેનિક ડેરી મિલ્ક પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલા હોવાનું તપાસ એજન્સીએ જણાવ્યું છે. હવે કૈલાશ ચંદ મંગલાની ધરપકડ બાદ તપાસ વધુ આગળ વધી શકે છે અને કથિત ભેળસેળવાળા ઘીના ઉત્પાદન, સપ્લાય અને નાણાંના વ્યવહારો અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
આ કેસમાં ૯૬ કરોડનો આંકડો ખાસ ચર્ચામાં છે. ઈડીના જણાવ્યા અનુસાર, ૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાન ટીટીડીને થયેલા આશરે ૨૩૦ કરોડના ઘી સપ્લાયની તપાસમાં મંગલાની ફેક્ટરીમાં લગભગ ૯૬ કરોડનું કથિત ભેળસેળવાળું ઘી તૈયાર થયું હોવાની માહિતી મળી છે. આ આંકડા તપાસ એજન્સીના તારણો છે અને સમગ્ર કેસમાં કોર્ટની કાર્યવાહી તથા તપાસ આગળ વધે તેમ અંતિમ હકીકત વધુ સ્પષ્ટ થશે.
કૈલાશ ચંદ મંગલા હાલ કોર્ટના આદેશ મુજબ ન્યાયિક કસ્ટડીમાં છે. ઈડી દ્વારા મની લોન્ડરિંગના અેંગલથી તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન સપ્લાય ચેઇનમાં સંકળાયેલી કંપનીઓ, નાણાકીય વ્યવહારો, કથિત ભેળસેળવાળા ઘીના ઉત્પાદન અને તેને ટીટીડી સુધી પહોંચાડવાની પ્રક્રિયા અંગે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ કેસમાં લગાવવામાં આવેલા આરોપો અંગે અંતિમ નિષ્કર્ષ તપાસ અને ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.