સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે ૧૭૭મા ‘વિચારોના વાવેતર’ કાર્યક્રમ અંતર્ગત ‘ધર્મ અને વિજ્ઞાન’ વિષય પર વક્તવ્ય યોજાયું હતું. વક્તા કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું કે ધર્મ જીવનને સાચી દિશા આપે છે અને વિજ્ઞાન ગતિ આપે છે; પરંપરાઓ પાછળ મનોવિજ્ઞાન અને હકારાત્મક ઊર્જા રહેલાં છે. બીજા વક્તા ડા. ભાવેશ કાચાએ ભારપૂર્વક જણાવ્યું કે ધર્મ વિના સમાજ ભટકી જાય છે અને વિજ્ઞાન વિના અટકી જાય છે, તેથી બંનેનો સમન્વય અનિવાર્ય છે. આ પ્રસંગે નટવર કન્સ્ટ્રકશન ગ્રુપના ગોરધનભાઈ કાનાણી પરિવાર તરફથી જમનાબા વિદ્યાર્થી ભવનના છાત્રોની  ફી માટે રૂ. ૭.૫૦ લાખની સ્કોલરશીપ અર્પણ કરાઈ હતી. સાથે જ ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, એડવોકેટ સમીર બોઘરા અને પુસ્તકના લેખક રીતેશભાઈ અક્બરીનું સન્માન કરવામાં આવ્યું હતું તથા સેવાપુસ્તકનું વિમોચન થયું હતું.