ગુજરાત હાઈકોર્ટે દેહવ્યવસાયના સ્થળે માત્ર ગ્રાહક તરીકે હાજર રહેનાર વ્યક્તિ સામે ફોજદારી કાર્યવાહી અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ સ્થળે દેહવ્યવસાય ચાલતો હોય અને કોઈ વ્યક્તિ ત્યાં માત્ર ગ્રાહક તરીકે હાજર હોય, તો માત્ર એટલા કારણસર તેની સામે કૂટણખાનું ચલાવવાનો કે દેહવ્યવસાય કરાવવાનો ગુનો બનતો નથી. આ મામલે કોર્ટે વર્ષ ૨૦૧૦થી પેન્ડિંગ એફઆઇઆર અને અરજદાર સામેની નીચલી અદાલતની સમગ્ર ફોજદારી કાર્યવાહી રદ કરી છે.
વર્ષ ૨૦૧૦માં પોલીસે એક સ્થળે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ઈમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. દરોડા સમયે સ્થળ પર હાજર અરજદાર સામે પણ દેહવ્યવસાયનો અડ્ડો ચલાવવા સંબંધિત જાગવાઈઓ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ અરજદારે એફઆઇઆર અને નીચલી અદાલતમાં ચાલી રહેલી કાર્યવાહી સામે ગુજરાત હાઈકોર્ટનો દરવાજા ખટખટાવ્યો હતો. અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ જે સ્થળે દરોડો પડ્યો તેના માલિક કે સંચાલક નહોતા. તેઓ કોઈ હોટેલ, ગેસ્ટ હાઉસ અથવા દેહવ્યવસાયનો વ્યવસાય ચલાવતા નહોતા અને ત્યાં માત્ર ગ્રાહક તરીકે હાજર હતા. તેથી કૂટણખાનું ચલાવવા અથવા તેના સંચાલન સાથે જાડાયેલી કાયદાકીય જાગવાઈઓ તેમના પર લાગુ કરી શકાય નહીં.
ગુજરાત હાઈકોર્ટે પોલીસ દ્વારા રજૂ કરાયેલી ચાર્જશીટ, કેસ ડાયરી અને અન્ય સામગ્રીની તપાસ કરી હતી. કોર્ટના અવલોકન મુજબ અરજદાર સ્થળનું સંચાલન કરતા હતા અથવા ત્યાંથી કોઈ આર્થિક લાભ મેળવતા હતા તે સાબિત કરતો નક્કર પુરાવો ઉપલબ્ધ નહોતો. માત્ર ગ્રાહક તરીકે કોઈ સ્થળે હાજર રહેવું કૂટણખાનું ચલાવવાનો ગુનો સાબિત કરવા માટે પૂરતું નથી. હાઈકોર્ટે વધુમાં નોંધ્યું કે પૂરતા પુરાવાના અભાવે વર્ષ ૨૦૧૦થી ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવી કાયદાકીય પ્રક્રિયાના દુરુપયોગ સમાન બની શકે છે. આથી અરજદાર સામેની હ્લૈંઇ તેમજ નીચલી અદાલતમાં ચાલી રહેલી સમગ્ર કાર્યવાહી રદ કરવામાં આવી હતી.
કાયદા હેઠળ કૂટણખાનું ધરાવનાર, ચલાવનાર અથવા આવી જગ્યા ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવનાર વ્યક્તિ સામે કાર્યવાહી થઈ શકે છે. તેવી જ રીતે કોઈ વ્યક્તિ દેહવ્યવસાય માટે અન્ય વ્યક્તિને ધકેલતી હોય અથવા તેના સંચાલન સાથે સંકળાયેલી હોય તો પણ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. એટલે હાઈકોર્ટનો ચુકાદો દેહવ્યવસાયને કાયદેસર ઠેરવતો નથી, પરંતુ માત્ર ગ્રાહક તરીકે હાજરી અને દેહવ્યવસાયના સંચાલન વચ્ચેનો કાનૂની તફાવત સ્પષ્ટ કરે છે.